આગામી રવિવારે તા. 24મી ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારત-પાકિસ્તાન (India-Pakistan Cricket Match) વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ માટે અત્યારથી જ બંને દેશોમાં રોમાંચ છે. ક્રિકેટપ્રેમીઓ આ મેચ જોવા માટે આતુર છે. પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સે પાકિસ્તાની ક્રિકેટ ટીમને ચેતવણી આપી છે કે ભારત સામે હારીને આવશો તો પાકિસ્તાનમાં પ્રવેશવા દઈશું નહીં, બીજી તરફ ભારતીયો પણ આ મેચને લઈને રોમાંચિત છે. ત્યારે આ મેચ રદ (Cancelled) થવા બાબતે મેસેજ ફરતા થયા છે.
વાત એમ છે કે T-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ વધી રહી છે. પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેના પર વિચાર કરવાનું કહ્યું, હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદ કહે છે કે જમ્મુ -કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકો માર્યા રહ્યા છે, તે દુ:ખદ છે. ભારતમાં આતંક વધારવા માટે પાકિસ્તાન જે કામ કરી રહ્યું છે, તે જોતાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થવી જોઈએ. પાકિસ્તાનને કડક સંદેશ આપવા માટે આ પગલું ભરવું જોઈએ. નોંધનીય છે કે, 24 ઓક્ટોબરને રવિવારના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે T-20 વર્લ્ડકપની મેચ રમાવાની છે. લાંબા સમય બાદ બંને ટીમો સામસામે ટકરાવાની છે.
આ અગાઉ ગિરીરાજ સિંહે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં કેટલાક આતંકવાદી હુમલા થયા છે. સામાન્ય પ્રજાને આતંકવાદીઓએ ટાર્ગેટ કર્યા છે. આ હુમલાઓમાં બિહારના કેટલાંક નાગરિકોને પણ આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે. ભારતીય સૈન્ય સતત આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં છેલ્લાં કેટલાંક દિવસમાં 9 સૈનિકો શહીદ થયા છે.
આ આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની સામેલગીરી હોવાની વાત બહાર આવી રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ. જો બંને દેશો વચ્ચે સંબંધો સારા નહીં હોય તો મેચ રમાડવા અંગે ફેરવિચારણા થવી જોઈએ. ગિરિરાજ સિંહથી પહેલાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા એક વ્યક્તિના પિતાએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરવા માંગ કરી હતી.