National

ભારતની અંજુએ પાકિસ્તાનના નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા હોવાનો પાકિસ્તાની મીડિયાનો દાવો

નવી દિલ્હી: પબજી (PubG) ગેમ લવ સ્ટોરી બાદ હવે ફેસબુક (Facebook) ફ્રેન્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. ઓનલાઇન ફ્રેન્ડને મળવા પોતાના પતિ અને બે બાળકોને છોડી અંજુ પાકિસ્તાન (Pakistan) પહોંચી હતી. આ વિશે અંજુએ જણાવ્યુ હતુ કે તે લીગલ ફોર્મેટથી પાકિસ્તાન ગઇ છે, અને તે માત્ર ફરવા માટે ગઇ છે.

નસરૂલ્લાહને મળીને ભારત પરત ફરશે. જ્યારે તેને સીમા હૈદર કેસ સાથે જોડવામાં આવી રહ્યુ હતું, ત્યારે તેણે અટકળો પર વિરામ મૂકવા એક બયાન જારી કર્યો હતો. જેમાં તેણે કહ્યુ હતું કે તેનો કેસ સીમા હૈદર જેવો નથી. જો કે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. એક પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન પહોંચી ભારતીય મહિલા અંજુએ ઇસ્લામ ધર્મ આપનાવી કોર્ટ મેરેજ કરી લીધા છે.

અલવરથી પાકિસ્તાનના અપર ડીર પહોંચેલી ભારતીય મહિલા અંજુએ ઈસ્લામ અંગીકાર કર્યો છે. એટલું જ નહીં, તેણે તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા. હવે તેનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ આ લગ્ન બાદ પણ નસરૂલ્લાહે લગ્નની વાતનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહી તેણે એમ પણ કહ્યુ હતુ તે અંજુ માત્ર તેની ફ્રેન્ડ છે. જો કે તેમનો નિકાહનામા પણ સામે આવ્યો છે. જે નસરૂલ્લાહના બયાન પર સવાલો ઊભા કરે છે.

અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર આદિવાસી જિલ્લામાં નસરુલ્લાહને મળવા ગઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરુલ્લાહ સાથે તેના લગ્ન ઔપચારિક રીતે જિલ્લા કોર્ટ, અપર ડીરમાં થઈ ગયા છે. આ ખબર દાવો કર્યાના એક દિવસ પછી આવી છે કે તેમની લગ્ન કરવાની કોઈ યોજના નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન કર્યા પછી બંનેએ પહાડી સ્થળોની મુલાકાત પણ લીધી છે, જેમાં તેઓ સાથે જોવા મળે છે. આ દંપતીએ ‘અંજુ વેડ્સ નસરુલ્લાહ’ નામનો વીડિયો પણ બહાર પાડ્યો છે. તે તેમને વિસ્તારના સુંદર હિલ સ્ટેશનોની મુલાકાત લેતા દર્શાવવામાં આવે છે, જ્યારે તેઓ હાથ પકડીને ચાલે છે અથવા એકબીજાની નજીક બેસે છે.

રાજસ્થાનની અંજુ નામની મહિલાને ફેસબુક પર તેની સાથે મિત્રતા કર્યા બાદ પાકિસ્તાની વ્યક્તિ નસરુલ્લાહ સાથે પ્રેમ થઈ ગયો અને તેણે લગ્ન કરી લીધા. તેને બે બાળકો પણ છે. પોતાના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે પાકિસ્તાનના દૂરના ગામડામાં પહોંચેલી ભારતીય મહિલા અંજુ 20 ઓગસ્ટે તેના વિઝાની મુદત પૂરી થતાં ઘરે પરત ફરશે. આ જાણકારી અંજુના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહે સોમવારે આપી હતી. તેણે વધુમાં કહ્યુ હતુ કે તેનો 34 વર્ષીય ભારતીય મહિલા અંજુ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે હવે તેના પર શંકા ઉભી થઇ રહી છે.

Most Popular

To Top