SURAT

એશિયા કપના ઇતિહાસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કદી ફાઇનલ નથી રમાઇ, આ વર્ષે બદલાશે ઇતિહાસ !!

આ વર્ષે શ્રીલંકાની યજમાનીમાં યુએઇ ખાતે ટી-20 ફોર્મેટમાં એશિયા કપ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, 27 ઓગસ્ટ અને શનિવારથી શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટમાં બધાની નજર જો કે 28 ઓગસ્ટને રવિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર મંડાયેલી છે. આ ટૂર્નામેન્ટમાં આ બંને ટીમો એકબીજા સામે રમી તો છે પણ બંને પરંપરાગત હરીફો ફાઇનલમાં ક્યારેય સામસામે આવી નથી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 14 સીઝન રમાઇ છે અને ભારત સાત ટાઇટલ સાથે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. રહી છે, જો કે એકપણ વાર તેની સામે ફાઇનલમાં પાકિસ્તાનની ટીમ આવી નથી. જ્યારે પાકિસ્તાનની ટીમ 2 વાર ચેમ્પિયન બની છે પણ બંનેવાર તેની સામે ભારતીય ટીમ ફાઇનલમાં આવી નથી. આમ બંને ટીમ વચ્ચે એકપણ વાર આ ટૂર્નામેન્ટનો ફાઇનલ જંગ રમાયો નથી. અત્યાર સુધી રમાયેલી એશિયા કપની 14 સિઝનની મહત્વની મેચો પર નજર નાંખી લઇએ.

પહેલી સિઝનમાં જ ભારતને મળી સફળતા : પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ 1984માં યુએઇમાં યોજાઈ હતી અને ભારતીય ટીમ તેમાં ચેમ્પિયન બની હતી. પહેલી સિઝનમાં માત્ર ત્રણ ટીમ હતી અને રાઉન્ડ રોબિનના આધારે રમાયેલી ટૂર્નામેન્ટમાં ભારતે પોતની બંને મેચ જીતી હોવાથી તેને ચેમ્પિયન જાહેર કરાયું હતું. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ટક્કર થઈ હતી. ભારતે આ મેચ 54 રને જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરીને ભારતે 188 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. તે પછી 1988માં રમાયેલી સિઝનમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને-સામને હતી. આ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું.

એશિયા કપ 1994માં પાકિસ્તાને ભારતીય ટીમને હરાવી : એશિયા કપ 1994માં ભારતને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમને 97 રને હરાવીને અગાઉની બંને હારનો બદલો વાળ્યો હતો. આ પછી 1997માં રમાયેલી બે મેચ અનિર્ણિત રહી હતી. તે પછી 2000માં પાકિસ્તાને ભારતીય ટીમને હરાવી હતી. તે પછી 2004માં ભારતીય ટીમને પાકિસ્તાન સામે ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. શોએબ મલિકના 143 રનની મદદથી પાકિસ્તાને ભારતીય ટીમને 54 રનથી હરાવી હતી.

સેહવાગની સદીથી 2008માં ભારત જીત્યું : 2008માં ભારતે વાપસી કરીને પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. આ મેચમાં વીરેન્દ્ર સેહવાગે 95 બોલમાં 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિઝનમાં બંને ટીમો ફરી એકવાર સામસામે આવી હતી. યુનુસ ખાનની 123 રનની ઈનિંગની મદદથી પાકિસ્તાને ભારતીય ટીમને આઠ વિકેટે હરાવી હતી ત્યારપછી 2010ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી 2012ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 183 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સ એશિયા કપમાં અત્યાર સુધી સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

પાકિસ્તાને 2014માં ફરી ભારતીય ટીમને હરાવી : 2014માં પાકિસ્તાને વાપસી કરીને ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. તે પછી 2016માં એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાયો હતો અને ભારતે તેમાં જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 83 રન બનાવ્યા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતે નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલીએ 49 રન બનાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.

2018ના એશિયા કપમાં ભારત બંને વખત જીત્યું : એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વાર મેચ રમાઇ હતી રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને બંને મેચમાં હરાવ્યું હતું. ભારતે પ્રથમ મેચ નવ વિકેટે જીતી હતી. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ તમામ મેચ ક્યાં તો ગ્રુપ સ્ટેજની અથવા તો અન્ય કોઇ હતી પણ આજ સુધીના 38 વર્ષના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે ફાઇનલ રમાઇ નથી. ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલી એશિયા કપ ટૂર્નામેન્ટમાં 1984, 1988, 1990/91, 1995, 2010 અને 2018માં ચેમ્પિયન બની હતી 2016માં ટી-20 ફોર્મેટમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં પણ ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. 2016ના એશિયા કપમાં ભારતીય ટીમે પાંચ મેચ રમી હતી અને એ તમામ તેણે જીતી હતી

Most Popular

To Top