National

ભારત-પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી, મીઠાઈઓ પણ આપી

નવી દિલ્હી: (New Delhi) ભારત અને પાકિસ્તાનના સૈનિકો દિવાળીના અવસર પર પંજાબમાં અમૃતસરની આંતરરાષ્ટ્રીય સરહદે શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે મીઠાઈઓનું આદાન પ્રદાન કરે છે. આ વર્ષે પણ દિવાળી પ્રસંગે બંને દેશોના સૈનિકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. BSFએ જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સે એકબીજાને મીઠાઈઓ આપી હતી. ભારતીય જવાનોએ તેમના સમકક્ષોને મીઠાઈ આપીને શુભેચ્છા પાઠવી હતી જ્યારે પાકિસ્તાની રેન્જર્સે પણ મીઠાઈઓ આપીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

  • દિવાળીના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સે એકબીજાને મીઠાઈઓ આપી
  • પાકિસ્તાની રેન્જર્સે પણ મીઠાઈઓ આપીને દિવાળીની શુભેચ્છા પાઠવી
  • ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ સૈનિકોએ આ જ રીતે મીઠાઈની આપ-લે કરી

આ ઉપરાંત ભારત-પાકિસ્તાનની અન્ય સરહદો સહિત ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ સૈનિકોએ આ જ રીતે મીઠાઈની આપ-લે કરી હતી. આ પરંપરા ઘણા વર્ષોથી આવી રીતે જ ચાલી આવે છે. આ પહેલા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર BSF જવાનોએ પાકિસ્તાન રેન્જર્સને મીઠાઈઓ અર્પણ કરી હતી. BSFએ કહ્યું કે તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરવાથી પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો વધે છે. આ સાથે સરહદની બંને તરફ તૈનાત દળો વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલ સર્જાયેલો રહે છે.

આર્મી ઓફિસરે પીએમ મોદીને એક ખાસ તસવીર ગિફ્ટ કરી
પીએમ નરેન્દ્ર મોદીએ કારગીલમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એક યુવાન સૈન્ય અધિકારીએ તેમને મોદી સાથે લીધેલો ફોટો દેખાડ્યો હતો. ત્યારે એક ભાવનાત્મક ક્ષણ સામે આવી હતી. આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે મોદી સૈનિક સ્કૂલમાં ગયા હતા જ્યાં તે સૈનિક ભણતો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે મેજર અમિત મોદીને ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તરત જ મોદી ઓક્ટોબરમાં તે શાળામાં ગયા હતા. એક અધિકારીએ કહ્યું, “જ્યારે બંને આજે કારગીલમાં ફરી એક બીજાને મળ્યા ત્યારે તે ખૂબ જ ભાવનાત્મક મુલાકાત હતી. તસવીરમાં અમિત અને અન્ય વિદ્યાર્થી મોદી પાસેથી શીલ્ડ લેતા જોવા મળે છે. 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી દર વર્ષે સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના તેમના રિવાજને અનુસરીને મોદીએ આજે ​​કારગીલમાં સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.

Most Popular

To Top