દુબઇ : ભારતમાં (India) ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વન ડે વર્લ્ડકપ (One day WorldCup) દરમિયાન પાકિસ્તાનની (Pakistan) મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમાડવા અંગેના મીડિયાના અહેવાલોને આજે વૈશ્વિક ક્રિકેટ બોડીના એક અધિકારીએ નકારી કાઢી હતી. હવે જ્યારે ભારતમાં આ વર્ષાન્તે રમાનારા વન ડે વર્લ્ડકપ માટેના સ્થળ અને તારીખોની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ પાકિસ્તાન પોતાની મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમશે એવા અહેવાલ નકારી કાઢ્યા હતા. આઇસીસીના સૂત્રએ કહ્યું હતું કે અમારી મીટિંગમાં આવી કોઈ ચર્ચા થઈ નથી, અને પાકિસ્તાન તરફથી પણ આવો કોઇ પ્રસ્તાવ મૂકાયો નથી.
આઇસીસી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે જ્યાં સુધી અમારો સંબંધ છે ત્યાં સુધી આ વર્ષાન્તે આખી ઇવેન્ટ ભારતમાં જ આયોજીત કરવા પર ફુલ સ્પીડથી કામ ચાલી રહ્યું છે. બુધવારે કેટલાક મીડિયા દ્વારા એવા અહેવાલો આવ્યા હતા કે જે રીતે ભારત એશિયા કપની મેચો તટસ્થ સ્થળે રમવાનું છે તે જ મોડલ વર્લ્ડકપ દરમિયાન અપનાવાશે અને પાકિસ્તાન પોતાની વર્લ્ડકપની મેચો તટસ્થ સ્થળે રમશે અને આ મેચો માટે બાંગ્લાદેશ સંભવત યજમાન બનશે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં તો આઇસીસીના જનરલ મેનેજર અને પીસીબીના માજી સીઇઓ વાસિમ ખાનને ટાંકીને કહેવાયું હતું કે પાકિસ્તાન પોતાની વર્લ્ડકપની મેચો તટસ્થ સ્થળે રમશે.
આઇસીસીએ જો કે આ પ્રકારની ટીપ્પણીઓથી પોતાને દૂર રાખ્યું છે. ભારતમાં રમાનારો વર્લ્ડકપ 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા છેલ્લા વર્લ્ડકપના ફોર્મેટ અનુસાર જ રમાશે. સેમી ફાઇનાલિસ્ટ નક્કી થવા પહેલા તમામ 10 ટીમો એકવાર એકબીજા સામે રમશે અને તેનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાનની તમામ 9 મેચો ભારતમાં જ રમાશે.
વસીમ ખાને ખોટી માહિતીઓ આપી કે પછી મીડિયાએ જ ગપગોળુ ચલાવી દીધું
પાકિસ્તાનની વર્લ્ડકપની મેચો બાંગ્લાદેશમાં યોજવા અંગેના મીડિયા અહેવાલોને આજે આઇસીસીના અધિકારીએ નકારી કાઢ્યા પછી એવો સવાલ ઊભો થઇ રહ્યો છે કે આઇસીસીમાં પાકિસ્તાનના જનરલ મેનેજર વસીમ ખાને આ અહેવાલ ચલાવનારા મીડિયાને ખોટી માહિતી આપી હતી કે પછી આ મીડિયાએ જાતે જ વસીમ મલિકના નામે ગપગોળુ ચલાવી દીધું હતું. બાંગ્લાદેશમાં પાકિસ્તાનની વર્લ્ડકપની મેચો રમાડવા અંગેની માહિતી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓને પણ નહોતી અને પાકિસ્તાનની મેચો અંગેના આ દાવા પછી આઈસીસી અને બીસીસીઆઈના સૂત્રોએ કહી દીધું હતું કે આવું કંઈ થવાનું નથી. વર્લ્ડ કપની તમામ મેચો ભારતમાં જ યોજાશે.