National

ઈસ્લામ કબૂલ કરીને ફાતિમા બનનારી અંજુના પાકિસ્તાન જવાના આંતરરાષ્ટ્રીય કાવતરાની તપાસ થશે

નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) સચિનના પ્રેમમાં ભારત આવેલી સીમા હૈદર બાદ અંજુમો કેસ ચર્ચામાં છે. ભારતમાં (India) પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન ગયેલી અંજુ હવે ફાતિમા બની ગઈ છે. અહીં અંજુના પતિ અને બાળકોની હાલત ખરાબ છે. પરંતુ ફાતિમા બન્યા બાદ પાકિસ્તાન સરકાર જે રીતે અંજુ પર મહેરબાન છે, તેનાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે સરહદ પારથી કેવી રીતે આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડવામાં આવ્યું, હવે પોલીસ આ મામલાની સઘન તપાસ કરશે.

4 વર્ષ બાદ અંજુ અચાનક પાકિસ્તાન જતી રહી અને ત્યાં જ ઈસ્લામ કબૂલ કરીને ફાતિમા બની, પોતાના પતિ, બાળકો અને હિંદુ ધર્મ અને ભારતને ક્ષણભરમાં નકારવાની વાત દરેકની સમજની બહાર છે. પોલીસ અંજુને પાકિસ્તાન લઈ જવા પાછળ ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો (ISI) હાથ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરશે. શું અંજુને પાકિસ્તાન બોલાવતા પહેલા તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું? શું તેણીને લોભ અને લાલચ આપવામાં આવી હતી. શું અંજુને પાકિસ્તાન બોલાવવા અને તેને ફાતિમા બનાવવા પાછળ ભારત વિરુદ્ધ અન્ય કોઈ ષડયંત્રનું રહસ્ય છુપાયેલું છે?… આ તમામ સવાલો જાણવા માટે હવે મધ્યપ્રદેશ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરશે.

મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતીય મહિલા અંજુ તેના ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી હોવાના કેસમાં રાજ્ય પોલીસ “આંતરરાષ્ટ્રીય ષડયંત્ર”ના એંગલથી તપાસ કરશે. બે બાળકોની માતા અંજુએ ઈસ્લામ કબૂલ્યા બાદ આ વર્ષે 25 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. જો કે ધર્મ પરિવર્તન બાદ ફાતિમા તરીકે ઓળખાતી અંજુને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે રોકડ અને જમીન ભેટમાં આપવામાં આવી હતી.

ખૈબર પખ્તુનખ્વા સ્થિત રિયલ એસ્ટેટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મોહસિન ખાન અબ્બાસીએ શનિવારે અંજુ અને નસરુલ્લાને તેમના ઘરે મળ્યા હતા. અબ્બાસીએ અંજુને ચેક આપ્યો હતો, જેની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સિવાય અંજુને 2,722 ચોરસ ફૂટ જમીનના દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા જેથી તે પાકિસ્તાનમાં આરામથી રહી શકે. જ્યારે અંજુના કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિશ્રાએ સોમવારે ભોપાલમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાનમાં અંજુનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેના પર ભેટો વરસાવવામાં આવી રહી છે, તેનાથી ઘણી શંકાઓ ઊભી થાય છે. તેથી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચને આ મામલાની નજીકથી તપાસ કરવા અને તે આંતરરાષ્ટ્રીય કાવતરું છે કે કેમ તે શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અંજુના પિતા ગયા પ્રસાદ થોમસે કહ્યું હતું કે અંજુ હવે તેના પરિવાર માટે “મૃત વ્યક્તિ” છે. અંજુને તેના બાળકો પ્રત્યે પણ દયા ન હતી. તેણે બિલકુલ વિચાર્યું નહીં. જો તે આવું કરવા માંગતી હોય તો તેણે પહેલા તેના પતિને છૂટાછેડા આપી દેવા જોઈએ. તે આપણા માટે હવે જીવતી નથી. હું આ મામલે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું.

Most Popular

To Top