National

વંદે ભારત ટ્રેન ફરી હુમલાનો શિકાર બની, ઓડિશામાં ટ્રેન પર ભારે પથ્થરમારો, પોલીસે FIR નોંધી

નવી દિલ્હી: ભારતની (India) હાઇ સ્પીડ ટ્રેન તરીકે ઓળખાતી વંદે ભારત (Vande Bharat Train) પર પથ્થરમારાની ઘટના અટકી રહી નથી. આ પહેલા પણ અનેક વખત વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ફરી એકવાર જોવા મળ્યું છે. આ વખતે ઓડિશામાં (Odisha) વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ભુવનેશ્વર-રૌરકેલા વંદે ભારત ટ્રેન (20835) ને ભુવનેશ્વર-સંબલપુર રેલ્વે લાઇનના ઢેંકનાલ-અંગુલ રેલ્વે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરબાજો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટનાને કારણે એસી ક્લાસ કોચની બારી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જેમાં બારીના કાચ તૂટી ગયા હતા. જો કે મુસાફરોને કોઈ નુકશાન થયું ન હતું.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું. આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય. દેશના વિવિધ ભાગોમાં વંદે ભારત પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે વંદે ભારતને થયેલા નુકસાનની માહિતી ઓન-ડ્યુટી RPF એસ્કોર્ટિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. ECORની સુરક્ષા શાખાએ આ મામલે ગંભીરતા દાખવી છે અને RPF અને GRPને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ ઘટના બાદ આરપીએફના સહાયક સુરક્ષા કમિશનર (કટક)ને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે લોકોને ટ્રેનો પર પથ્થર ન ફેંકવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. જેના કારણે મુસાફરોને નુકસાન થાય છે. આ અભિયાન ખાસ કરીને ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની માહિતી પોલીસને આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ECoRની બંને સુરક્ષા શાખાઓ સ્થાનિક પોલીસ દ્વારા પથ્થરબાજોને શોધવામાં લાગેલી છે. જો કે આ પહેલા પણ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો જોવા મળ્યો છે.

Most Popular

To Top