Columns

Q star નામનું સોફ્ટવેર મગજનું સ્થાન ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે

ચેટજીપીટીના સેમ ઓલ્ટમેન એક અઠવાડિયા પછી ઓપન એઆઈ પર પાછા ફર્યા છે, પરંતુ ઘણાં લોકોને ખબર નથી કે બોર્ડના સભ્યોએ શા માટે સેમ ઓલ્ટમેનને ચેટજીપીટીના સીઈઓ પદ પરથી દૂર કર્યા હતા. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Q Star સોફ્ટવેરના વિકાસને કારણે બોર્ડ મેમ્બરો દ્વારા સેમ ઓલ્ટમેનને બરતરફ કરવામાં આવ્યા હતા. અહીં Q Star સોફ્ટવેર વિશે જાણતાં પહેલાં તમારે AGI કે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ વિશે જાણવું જરૂરી છે. ચેટજીપીટી સહિત ઘણા ચેટબોટ્સ આજે ઇન્ટરનેટ વિશ્વમાં કામ કરી રહ્યા છે, તે બધા એક નિશ્ચિત મર્યાદા અનુસાર કામ કરે છે. જ્યારે તમને એવા સોફ્ટવેરની કલ્પના કરવાનું કહેવામાં આવે કે જે મનુષ્યની જેમ વિચારે છે અને તેની ક્ષમતાઓ કોઈ પણ ક્ષેત્રમાં મર્યાદિત નથી જણાતી.

AGI બરાબર એ જ રીતે કામ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ઓલ્ટમેને એક બ્લોગ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે વિગતવાર સમજાવ્યું હતું કે AGI કેવી રીતે કાર્ય કરશે અને તેમાં અવિશ્વસનીય નવી ક્ષમતાઓ હશે, જે મનુષ્યની જેમ વિચારવા અને સમજવામાં નિપુણ હશે. તેણે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે જો AGI સફળતાપૂર્વક બનાવવામાં આવે તો તે ટેક્નોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. ઓપન એઆઈએ Q Star સોફ્ટવેર વિકસાવ્યું છે, જે AGIની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.

ઓપન એઆઈની રિસર્ચ ટીમે કંપનીના બોર્ડ મેમ્બર્સને એક પત્ર દ્વારા આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ બોર્ડના સભ્યોએ સેમ ઓલ્ટમેનને બરતરફ કરી દીધા હતા. ચેટજીપીટી માત્ર ભાષા અને અનુવાદમાં નિષ્ણાત છે, જ્યારે Q Star ગણિત અને અન્ય સંશોધન કરી શકે છે. ઓપન એઆઈએ હજુ સુધી Q Star સોફ્ટવેરને લઈને કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. ઓપન એઆઈના બોર્ડ સભ્યોને લખેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે Q Star માનવતા માટે ખતરો હોઈ શકે છે. ત્યાર બાદ બોર્ડે સેમ ઓલ્ટમેનને હટાવવાનું પગલું ભર્યું હતું.

અત્યાર સુધી કોઈ કંપનીએ સત્તાવાર રીતે AGI વિકસાવવાની જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર એમેઝોન આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને પોતાના AGI વાતચીત સહાયકને વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે ચેટજીપીટી લૉન્ચ કરતી વખતે વિશ્વને ઓપન એઆઈનું નામ સૌ પ્રથમ વાર જાણવા મળ્યું અને હવે ઓપન એઆઈ નામ ફરી એક વાર લોકોના હોઠ પર છે. આ વખતે કારણ કંપનીની સિદ્ધિઓ વિશે નથી, પરંતુ તેના સીઈઓ સેમ ઓલ્ટમેનને દૂર કરવા અને તેમની ત્યાર પછીની વાપસી વિશે છે. સેમની વાપસીની સાથે અન્ય એક સમાચાર આવે છે, જેણે વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે કે શું ખરેખર ઓપન એઆઈમાં કંઈક રંધાઈ રહ્યું છે. ઓપન એઆઈનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરતાં પહેલાં જ વિવાદમાં આવી ગયો છે. આ પ્રોજેક્ટનું નામ Q* છે.

આ Q* પ્રોજેક્ટ શું છે જે મનુષ્યો માટે ખતરો હોવાનું કહેવાય છે? હાલમાં Q* પ્રોજેક્ટ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. આ એક આર્ટિફિશ્યલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) ટૂલ છે. આ અંગે સેમ ઓલ્ટમેને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે AGI મનુષ્ય કરતાં વધુ સ્માર્ટ છે. તે સમયે સેમે તેની ખામીઓ વિશે કોઈ માહિતી આપી ન હતી, પરંતુ AGI માનવતા અને મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ Q* માનવતા માટે તે જ રીતે ખતરો બની શકે છે, જે રીતે આપણે ટર્મિનેટર મૂવીમાં જોયું છે. નવા ટૂલમાં ગણિતની સમસ્યાઓ ખૂબ જ સચોટ અને ઝડપી રીતે ઉકેલવામાં આવી છે. જનરેટિવ AI ગાણિતિક મોડલ્સ પર આધાર રાખે છે અને તે વ્યાપક રીતે મશીન લર્નિંગનો પેટા પ્રકાર છે. હાલમાં જનરેટિવ એઆઈનો સૌથી વધુ ઉપયોગ લેખિત કાર્યોમાં થઈ રહ્યો છે. ઈ-મેઈલ હોય કે જી-મેઇલ, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. જનરેટિવ AI તમે જે ટાઇપ કરો છો તેના આધારે આગળના શબ્દો સૂચવે છે. આર્ટિફિશ્યલ જનરલ ઈન્ટેલિજન્સ ( AGI ) એ કાલ્પનિક પ્રકારનો બુદ્ધિશાળી એજન્ટ છે.

AGI કોઈ પણ બૌદ્ધિક કાર્યને પૂર્ણ કરવાનું શીખી શકે છે, જે મનુષ્ય અથવા પ્રાણીઓ કરી શકે છે. વૈકલ્પિક રીતે AGI ની વ્યાખ્યા એક સ્વાયત્ત પ્રણાલી તરીકે કરવામાં આવી છે, જે મોટા ભાગના આર્થિક રીતે મૂલ્યવાન કાર્યોમાં માનવ ક્ષમતાઓથી પણ આગળ નીકળી જાય છે. AGI બનાવવું એ કેટલીક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રિસર્ચ અને ઓપન એઆઇ, ડીપમાઇન્ડ અને એન્થ્રોપિક જેવી કંપનીઓનું પ્રાથમિક ધ્યેય છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકોની એક નાની સંખ્યા AGI સંશોધનમાં સક્રિય છે અને AGI ના સંશોધન માટે ભરાતી જાગતિક પરિષદોમાં હાજરી આપે છે.

વર્ષ ૨૦૨૩ સુધી AGI ની શોધ સંપૂર્ણપણે અટકળનો વિષય રહી છે. AGI માટે સામાન્ય રીતે સંમત થયેલા માપદંડોને પૂર્ણ કરતી કોઈ સિસ્ટમ હજુ સુધી વિકસાવવામાં આવી નથી. આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ ક્યારે અને કેવી રીતે આવશે તેના પર મંતવ્યો બદલાય છે. AIના પ્રણેતા હર્બર્ટ એ. સિમોને ૧૯૬૫માં અનુમાન લગાવ્યું હતું કે મશીનો વીસ વર્ષની અંદર માણસ કરી શકે તેવું કોઈ પણ કામ કરવા સક્ષમ હશે. આ આગાહી સાચી પડી નથી. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલન માનતા હતા કે ૨૧મી સદીમાં આવી બુદ્ધિ અસંભવિત છે, કારણ કે તેને મૂળભૂત રીતે અણધારી સફળતાઓ અને જ્ઞાનશક્તિની વૈજ્ઞાનિક રીતે ઊંડી સમજની જરૂર પડશે.

રોબોટીસ્ટ એલન વિનફિલ્ડે દાવો કર્યો હતો કે આધુનિક કોમ્પ્યુટીંગ અને માનવ-સ્તરની કૃત્રિમ બુદ્ધિ વચ્ચેની ખાઈ વર્તમાન અવકાશ ઉડાન અને પ્રકાશ કરતાં ઝડપી અવકાશ ઉડાન વચ્ચેની ખાઈ જેટલી પહોળી છે. મોટા ભાગના AI સંશોધકો માને છે કે ભવિષ્યમાં મજબૂત AI પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ કેટલાક વિચારકો, જેમ કે હુબર્ટ ડ્રેફસ અને રોજર પેનરોઝ , મજબૂત AI હાંસલ કરવાની શક્યતાને નકારે છે. જ્હોન મેકકાર્થી માને છે કે માનવ-સ્તરનું AI પરિપૂર્ણ થશે, પરંતુ હાલની પ્રગતિનું સ્તર એવું છે કે તારીખની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ માં હાથ ધરવામાં આવેલા ચાર સર્વેમાં સૂચવાયું હતું કે નિષ્ણાતો વચ્ચે મશીનોમાં મનુષ્યના મગજની જેમ કામ કરવાની ૫૦ ટકા ક્ષમતા ક્યારે આવશે તે માટેનો અંદાજ વર્ષ ૨૦૪૦ થી ૨૦૫૦ વચ્ચે હતો.

AGI હાંસલ કરવા માટેનો એક સંભવિત અભિગમ મનુષ્યના સમગ્ર મગજનું અનુકરણ છે. જૈવિક મગજનું વિગતવાર સ્કેનિંગ અને મેપિંગ કરીને અને પછી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા અન્ય કોમ્પ્યુટેશનલ ઉપકરણ પર તેની નકલ કરીને મગજનું મોડેલ બનાવવામાં આવે છે.સિમ્યુલેશન મોડલ મૂળ મોડલને પૂરતા પ્રમાણમાં વફાદાર હોવું જોઈએ, જેથી તે મૂળ મગજની જેમ વ્યાવહારિક રીતે વર્તે. તબીબી સંશોધનના હેતુઓ માટે મગજના સિમ્યુલેશનના સંદર્ભમાં કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ અને ન્યુરોઇન્ફોર્મેટિક્સમાં સમગ્ર મગજના અનુકરણની ચર્ચા કરવામાં આવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંશોધનમાં મજબૂત AI માટેના અભિગમ તરીકે તેની ચર્ચા કરવામાં આવી છે. મગજની વિગતવાર સમજણ આપી શકે તેવી ન્યુરોઇમેજીંગ ટેક્નોલોજીઓ ઝડપથી સુધરી રહી છે. કોમ્પ્યુટર કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પાસે મનુષ્યના મગજ દ્વારા કરવામાં આવતાં તમામ કાર્યો કરાવવા માટે હજુ વિજ્ઞાને ઘણી લાંબી મજલ કાપવી પડશે.       
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top