નવી દિલ્હી: એક તરફ ભારતની (India) અધ્યક્ષતામાં નવી દિલ્હીના (New Delhi) પ્રગતિ મેદાનમાં G-20 સંમેલનમાં (G20 Summit) વિશ્વના 20 શક્તિશાળી દેશો ભાગ લઈ રહ્યા છે, તો બીજી તરફ, ઉત્તર કોરિયા (North Korea) તેનો 75મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. G-20માં સામેલ વિશ્વના નેતાઓને તેમની તાકાતનો અહેસાસ કરાવવા માટે ઉત્તર કોરિયા સહિત ચીન (China) અને રશિયાએ (Russia) એકતાનું પ્રદર્શન કર્યું છે. ઉત્તર કોરિયાએ યુ.એસ. (US) સાથે વધતા મુકાબલો વચ્ચે રશિયા અને ચીન સાથેના તેના સંબંધોને દર્શાવવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ અને કલાકારોને અર્ધલશ્કરી પરેડ માટે આમંત્રણ આપ્યું હતું. જેથી G-20માં સામેલ થનારા નેતાઓમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના ત્રિકોણીય ગઠબંધનને લઈને ડર પેદા કરી શકે. રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ એક થઈને દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે.
દક્ષિણ કોરિયાના મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે પ્યોંગયાંગમાં ઉજવણીમાં રશિયન સરકારી અધિકારીઓનો અભાવ કિમ અને પુતિન વચ્ચે સમિટની તૈયારીઓ સાથે સંબંધિત હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી કિમ જોંગ અને પુતિન વચ્ચે નિકટતા વધી રહી છે. જો કે અમેરિકાને આશા છે કે આ બેઠક એક મહિનામાં યોજાઇ શકે છે. ઉત્તર કોરિયાએ હજુ સુધી કિમની રશિયાની મુલાકાત લેવાની કોઈ યોજનાની પુષ્ટિ કરી નથી.
ઉત્તર કોરિયાની રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે કિમને વર્ષગાંઠ પર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી પત્રો મળ્યા હતા, જેમાં બંને નેતાઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે તેમના દેશના મજબૂત સંબંધો ક્ષેત્રની શાંતિ અને સ્થિરતામાં ફાળો આપશે.ઉત્તર કોરિયાની 75મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી માટે રાજધાની પ્યોંગયાંગમાં મધ્યરાત્રિ પરેડમાં રોકેટ લોન્ચર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પરેડ એવા સમયે થઈ છે જ્યારે એવી અપેક્ષા છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ત્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા જશે અને આ બેઠકમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયારોના વેચાણ પર વાતચીત થઈ શકે છે. ચીને ઉત્તર કોરિયાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે વાઇસ પ્રીમિયર લિયુ ગુઝોંગના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જ્યારે રશિયાનું લશ્કરી ગીત અને નૃત્ય જૂથ પ્યોંગયાંગ પહોંચ્યું છે.