Comments

ભારત GCC સાથે મુક્ત વેપાર વાટાઘાટો શરૂ કરવાની નજીક છે

અબજો ડોલરનાં રોકાણો સાથેના અત્યાર સુધીના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાંના એક FIFA વર્લ્ડ કપના હોસ્ટિંગને લઈને કતાર આજકાલ સમાચારોમાં છે. સાથે જ ચીન સાથેના તેના એક વેપાર સોદાને કારણે પણ ચર્ચામાં છે. કતારે ચીન સાથે ૨૭ વર્ષ માટેના કુદરતી ગેસ પુરવઠાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને હાઈડ્રોકાર્બનના ઈતિહાસમાં સૌથી લાંબો સમય માનવામાં આવે છે. આ કરારથી ચીન કતારના વ્યૂહાત્મક નોર્થ ફિલ્ડ સાઉથ પ્રોજેક્ટ (NFS)માં જોડાશે. NFS વિસ્તરણ પ્રોજેક્ટ એ એક મેગા LNG ટ્રાન્સપોર્ટ ટ્રેન છે જે એક દાયકામાં કતારને વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ વેપારીઓમાંનું એક બનાવશે.

આ પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ સહભાગી થઈ રહી છે અને અત્યાર સુધી ટોટલ, શેલ, એક્ઝોન મોબિલ વગેરે જેવી મોટી પશ્ચિમી કંપનીઓ ભાગીદાર બની ચૂકી છે. ચીન પણ કતાર સાથે લાંબા કરાર થકી આ ક્ષેત્રમાં પ્રવેશ અને ભાગીદારી કરવા માંગે છે. ચીન સાથેનો આ કરાર એવા સમયે થયો છે જ્યારે યુરોપિયન યુનિયન રશિયા સિવાયના અન્ય સ્રોતોમાંથી કુદરતી ગેસનો પુરવઠો મેળવવા માટે ઝઝૂમી રહ્યું છે. ચીન-કતાર વચ્ચે થયા એવા કરાર યુરોપ-કતાર વચ્ચે નથી થઈ શક્યા જેનું મુખ્ય કારણ આવા લાંબા ગાળાના બંધનકર્તા કરારો સામેની યુરોપિયન જડતા છે.

આ બધા વચ્ચે, ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) સાથે મુક્ત વેપાર વાટાઘાટો શરૂ કરવાની નજીક છે, જેમાં કતાર એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે. GCC એ છ આરબ રાષ્ટ્રોનું બનેલું રાજકીય અને આર્થિક સંગઠન છે. ભારતનો GCC સાથે ૨૦૦૪થી ફ્રેમવર્ક કરાર છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ફ્રેમવર્ક વેપાર સંબંધોને વિસ્તારવા અને ઉદાર બનાવવા તેમજ મુક્ત વેપાર કરાર માટેનો સંવાદ શરૂ કરવા ઉપયોગી થશે. જો કે, ૨૦૦૬ અને ૨૦૦૮માં બે ઔપચારિક સંવાદો છતાં GCC, તેના સભ્ય દેશોને મુક્ત વેપાર કરાર સ્તરની વાટાઘાટો તરફ આગળ વધવા સમજાવી શક્યું નથી. આ વિલંબ માટે આરબ રાજ્યો વચ્ચેના પ્રાદેશિક આર્થિક મુદ્દાઓ તેમજ ભારત સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કોરોના મહામારીએ ગલ્ફ દેશોને હાઈડ્રોકાર્બનથી આગળ વધીને તેમના આર્થિક પ્રભાવને વિસ્તારવા માટે તૈયાર કર્યા છે; આનાથી તેમની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે. ભારતે આ વર્ષની શરૂઆતમાં GCC દેશોમાં સૌથી પ્રભાવશાળી એવા UAE સાથે CEPA (કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા હતા. CEPA ભારતના માલસામાનને ૯૭ ટકા ટેરિફલાઇન માટે પ્રેફરન્શિયલ એક્સેસની મંજૂરી આપે છે, જે UAEમાં ભારતની નિકાસમાં ૯૯ ટકા હિસ્સો ધરાવે છે. ભારત મુખ્યત્વે જેમ્સ-જ્વેલરી, કાપડ, ચામડાનાં ફૂટવેર, રમતગમતનો સામાન, પ્લાસ્ટિક, ફર્નિચર, લાકડાનાં ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્મા અને તબીબી ઉપકરણોની UAEમાં નિકાસ કરે છે. UAEમાંથી ભારતની મુખ્ય આયાત ઊર્જા છે. CEPA થકી પાંચ વર્ષમાં ૧૧૫ બિલિયન ડોલરનો માલસામાન અને સેવાઓનો દ્વિપક્ષીય વેપાર હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. ભારત અગાઉ RCEP (પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી)માંથી બહાર નીકળી ગયું હતું, જે સૌથી મોટી આર્થિક ભાગીદારીમાંની એક છે.

ભારત રાષ્ટ્રીય જીડીપીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તરીકે વેપારના મહત્ત્વને સમજે છે. આગામી બે દાયકામાં અર્થતંત્રને ૪૦ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવામાં માલ અને સેવાઓનો વેપાર મહત્ત્વનો ફાળો આપશે. જો કે અત્યારે વિશ્વવેપારમાં ભારત ઝાઝું ઉકાળતું નથી. વિશ્વવેપારમાં ભારતનો ફાળો નગણ્ય કહી શકાય એવો બે ટકાથી પણ નીચે છે. ભારતે અગાઉ ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરાર કર્યા હતા. યુ.કે. સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટો છ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહી છે. ત્યારે GCC સાથે FTA વાટાઘાટો જો સફળતાપૂર્વક પૂર્ણ થાય તો ભારતના મલ્ટી ટ્રિલિયન-ડોલરના આર્થિક માર્ગમાં સીમાચિહ્નરૂપ બની શકે છે. આ જેટલું સહેલાઈથી લખી શકાય છે તેટલું સહેલાઈથી પામી શકવાનું શક્ય નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top