National

ઈરાનમાં ફસાયેલા જહાજમાંથી ભારતીય મહિલા સુરક્ષિત પરત ફરી, મંત્રાલય 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં

કેરળની (Kerala) એન ટેસા જોસેફ જે ઈરાન (Iran) દ્વારા કબજે કરવામાં આવેલા ઈઝરાયેલના (Israel) અબજોપતિના જહાજમાં સવાર 17 ભારતીય ક્રૂમાં સામેલ હતી તે સુરક્ષિત રીતે ભારત પરત આવી ગઈ છે. ગુરુવારે કેરળના ત્રિશૂરની રહેવાસી એન ટેસા કોચીન એરપોર્ટ પર પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન દ્વારા આ અંગેની માહિતી આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સુરક્ષિત વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે મોદીની ગેરંટી હંમેશા કામ કરે છે. પછી તે દેશમાં હોય કે વિદેશમાં.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે તેહરાનમાં ભારતીય મિશન કન્ટેનર જહાજ પર બાકીના 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં છે. આ જહાજ હાલમાં ઈરાનના નિયંત્રણમાં છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત પરત ફરેલા ક્રૂ મેમ્બર ઠીક છે અને તેઓ તેમના પરિવારના સંપર્કમાં છે. ભારતીય મિશન અન્ય ભારતીયોના સ્વદેશ પરત લાવવા માટે ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે. તે પણ ટૂંક સમયમાં પરત ફરશે. આને ભારતની મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે 13 એપ્રિલના રોજ ઈરાની નૌકાદળે હોર્મુઝની સામુદ્રધુની પાસે ઓમાનની ખાડીમાં ભારત તરફ આવી રહેલા ઈઝરાયેલના અબજોપતિના આ જહાજને પકડી લીધું હતું. આ જહાજમાં 17 ભારતીયો સવાર હતા. પહેલા ઈઝરાયેલના જહાજ પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઈરાની નેવીએ તેને કબજે કરી લીધો હતો. આ જહાજનું નામ MSC Aries છે અને તે છેલ્લે શુક્રવારે દુબઈથી હોર્મુઝ તરફ જતું જોવા મળ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે જહાજે તેના ટ્રેકિંગ ડેટાને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે ઇઝરાયેલી જહાજો ઘણીવાર ટ્રેકિંગ ડેટા બંધ કરી દે છે.

તેહરાનને મદદની વિનંતી
વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે રવિવારે રાત્રે ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન અને ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે ફોન પર વાત કરી હતી. રવિવારે સાંજે થયેલી વાતચીતમાં ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલા જહાજ પર હાજર 17 ભારતીયોની સુરક્ષિત પરત ફરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ સાથે તહેરાન પાસેથી મદદની વિનંતી કરવામાં આવી હતી. વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું હતું કે તેમણે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી છે. MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top