ભારતમાં કોરોનાની પહેલી લહેર આવી ચૂકી છે અને ત્યાર બાદ આવેલી બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનની તંગી ઉભી થઇ, બેડ ખૂટી પડ્યા, રેમડેસિવિર અને ટોસિલિઝૂમેબ જેવા ઇન્જેકશનની અછત ઊભી થઇ આ સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું હતું કે દુનિયામાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે ભારતે તેના માટેની પૂરતી તૈયારી કરી ન હતી. જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે અકલ્પનીય હતાં. સરકારે આ બાબતે તેના તમામ પ્રયત્નો કર્યા હતા એટલે એવું પણ નથી કે સરકાર હાથ પર હાથ મૂકીને બેસી રહી હતી. પરંતુ બીજી લહેરમાં જે થયું તે ત્રીજી લહેરમાં નહીં થાય તેની માટે સરકારે અત્યારથી જ સજ્જ થવું પડશે.
કારણે કે આફ્રિકન દેશ બોત્સવાનામાંથી ઉભો થયેલો નવો વેરિએન્ટ ડેલ્ડા કરતાં પણ વધુ ખતરનાક અને ચેપી માનવામાં આવી રહ્યો છે. તેની ગંભીરતા જોઇને જ ડબલ્યુએચઓએ પણ તાત્કાલિક અસરથી બેઠક બોલાવી હતી.દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓએ કહ્યું કે શોધી કઢાયેલા કેસો અને પૉઝિટિવ આવતા લોકોની ટકાવારી બેઉ ઝડપથી વધી રહ્યા છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે દેશમાં આ નવા વેરિયન્ટના લીધે કોરોનાના કેસો વધી રહ્યા છે. આ મુશ્કેલીમાં મૂકી શકે એવા સ્ટ્રેનની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવતી કાલે તાકીદની બેઠક બોલાવી છે. છેલ્લા એક સપ્તાહમાં આફિકામાં ચેપનો દર પાંચ ગણા કરતા વધ્યો છે. બોસ્તવાનામાં 11મી નવેમ્બરે આ વેરિયન્ટ પહેલી વાર દેખાયો હતો. અત્યાર સુધીમાં એના 100 કેસો મળ્યા છે.
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોનાના એક નવા વેરિયન્ટ ‘બોત્સવાના’ લઈને ચેતવણી જારી કરી છે જે અત્યાર સુધીમાં વાયરસની સૌથી વધુ મ્યુટેટ થયેલી આવૃત્તિ મનાય છે. અત્યાર સુધીમાં આ નવા સ્ટ્રેનના 22 કેસો મળ્યા છે પણ એ ડેલ્ટા કરતાય વધુ ખતરનાક અને ચેપી મનાય છે. આને એનયુ (ANU) નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના દેશ બોસ્તાવાના સહિત ત્રણ દેશોમાં દેખાયેલ આ વેરિયન્ટ વધારે વ્યાપક અને ચેપી છે.
દુનિયામાં કોરોનાનું મ્યુટેશન સતત ચાલુ છે. બોસ્તવાના વેરિયન્ટમાં સૌથી વધુ 32 મ્યુટેશન થયા છે. આ કોવિડનું સૌથી વધારે વિકસિત રૂપ છે અને ઘણું ખતરનાક મનાય છે. તે સૌથી વધુ ઝડપથી ફેલાય છે અને રસીને ગાંઠે એમ નથી. તેના સ્પાઇક પ્રોટિનમાં અન્ય મ્યુટેટેડ વેરિયન્ટ કરતા વધારે ફેરફાર થયા છે. રસીઓ જૂના વાયરસના સ્પાઇક પ્રોટિનને જ ઓળખે છે. વેરિયન્ટથી વધતી ચિંતાને જોઈને ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા કે જનારા મુસાફરોની કડકાઈથી તપાસ કરે.આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા એક પત્રમાં કહ્યું છે કે આ વેરિયન્ટનું મ્યૂટેશન ખૂબ વધારે જણાવાઈ રહ્યું છે.
આથી આ દેશોથી મુસાફરી કરનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો રિસ્કની કેટેગરીમાં છે.આ નવા વેરિઅન્ટના સામે આવ્યા બાદ ભારત સરકારે તમામ રાજ્યોને સાવચેત રહેવાનું કહ્યું છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે કોવિડના નવા પ્રકારથી પ્રભાવિત દેશોમાંથી આવતા લોકોની સ્ક્રીનિંગ માટે સૂચનાઓ આપી હતી. ભારતમાં આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તાજેતરમાં, વિઝા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને મુક્તિ આપવામાં આવી હતી, તેથી તેના વિશે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. રેપિડ ટેસ્ટિંગ પર પણ પૂરો જોર આપવામાં આવી રહ્યો છે.
તમામ એરપોર્ટને હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલથી આવતા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. કોઈપણ પ્રકારની જરા પણ બેદરકારી ન રાખવામા આવે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું – પોઝિટિવ મળી આવતા સેમ્પલને તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવા જોઈએ.
દેશના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે પણ આ વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. આ સ્થિતિમાં ભારતે જો આ વેરિએન્ટ આવે તો તેની ચકાસણી માટે લેબોરેટરીના સાધનો કેટલા સજ્જ છે? વેરિએન્ટનો જો દર્દી મળે તો તેના સંપર્કમાં આવેલા લોકોનું શું? આ વેરિએન્ટને ટ્રેસ કરવા માટે કેવી રીતે ગોઠવણ કરવી? વેરિએન્ટના દર્દીની દવા અને ઇન્જેક્શનની જરૂરિયાત, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અને ઓકિસ્જનની વ્યવસ્થા આ તમામ બાબતો પર અતાયરથી જ તૈયારી કરવી પડશે.