યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતની વિદેશનીતિ સામે મોટું ધર્મસંકટ ઊભું થયું છે. આ યુદ્ધમાં રશિયા અને અમેરિકા સામસામે છે. ભારત દાયકાઓથી રશિયાનું સાથી રહ્યું છે. ભારત તેના ૬૦ ટકાથી વધુ શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે. ભારતે અમેરિકા સાથે પણ મૈત્રીપૂર્ણ વેપારી સંબંધો વિકસાવ્યા છે. અમેરિકા ભારતનું મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી ભારતે શાંતિ સ્થાપવાની હિમાયત કરી છે, પણ આંતરરાષ્ટ્રીય તખતા પર તે રશિયાની સીધી ટીકા કરવાથી દૂર રહ્યું છે. અમેરિકાનાં પ્રચંડ દબાણ અને ધમકીભરી ભાષા છતાં ભારતે રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો અને તે નિર્ણયને ભારત વળગી રહ્યું હતું, જેને કારણે ભારત રશિયાની સાથે છે, તેવી સ્પષ્ટ છાપ ઊભી થઈ હતી. યુનોમાં જ્યારે જ્યારે રશિયાની વિરુદ્ધમાં કે તેની તરફેણમાં મતદાન કરવાની વાત આવી ત્યારે ભારતે મતદાનનો બહિષ્કાર કરીને પોતાની તટસ્થતા જાળવી રાખવાનો પુરુષાર્થ કર્યો છે. રશિયાના યુક્રેન પરના હુમલા પછી ૧૧ વખત ભારત યુનોમાં મતદાનથી વેગળું રહ્યું છે. મતદાનનો બહિષ્કાર કરવામાં પણ કસોટી થતી હોય છે.
ગુરુવારે યુનોની મહાસભામાં રશિયાને માનવ અધિકાર પંચમાંથી બહાર ફેંકવાનો ઠરાવ અમેરિકા અને યુરોપના દેશો દ્વારા લાવવામાં આવ્યો હતો. આ ઠરાવમાં મતદાન કરવાથી દૂર રહેવાનો અર્થ પણ ઠરાવને ટેકો આપવા જેવો થતો હતો. મતદાન પહેલાં રશિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ‘‘આ ઠરાવને ટેકો આપવાનો કે મતદાનથી વેગળા રહેવાનો અર્થ રશિયાનો વિરોધ ગણવામાં આવશે.’’ આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કરવા રશિયાનું ભારત પર પ્રચંડ દબાણ હતું. તો પણ ભારતે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરીને રશિયાની નારાજગી વહોરી લીધી છે. જગત અત્યારે એવા ત્રિભેટે ઊભું છે કે ભારત જેના પક્ષમાં જાય તે વિશ્વવિજેતા બની જાય તેમ છે.
યુનોમાં અમેરિકાના ઠરાવ પર મતદાનનો બહિષ્કાર કરતી વખતે પણ ભારતે રશિયા અને અમેરિકા વચ્ચે સમતુલા રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઠરાવ પરની ચર્ચામાં ભારતે જણાવ્યું હતું કે સૌ પ્રથમ બુચાના નરસંહાર માટે કોણ જવાબદાર છે? તેની પહેલાં તપાસ થવી જોઈએ. જો તેમાં રશિયા ગુનેગાર સાબિત થાય તો જ સામાન્ય સભામાં તેના વિરુદ્ધમાં ઠરાવ લાવવો જોઈએ. બુચામાં થયેલા નરસંહારની વિગતો બહાર આવી તે પછી ભારતે તેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરી હતી, પણ તેના માટે રશિયાને જવાબદાર ઠેરવવાને બદલે તેની તળિયાઝાટક તપાસ કરવાની હિમાયત કરી હતી. તેમ છતાં આ પ્રકરણમાં શંકાની સોય રશિયા તરફ તકાયેલી હોવાથી ભારતે ઠરાવની વિરુદ્ધમાં મતદાન કરીને દુનિયાના તખતા પર રશિયાનું આંધળું સમર્થન કરવાનું પણ મક્કમતાથી ટાળ્યું હતું.
યુક્રેનના યુદ્ધને કારણે જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક બાજુ રશિયા અને ચીન છે તો બીજી બાજુ અમેરિકાના અને યુરોપના દેશો છે. ભારત આ બંનેની વચ્ચે ઊભું છે. છેલ્લા સપ્તાહમાં દુનિયાના લગભગ એક ડઝન દેશોના ટોચના રાજદ્વારીઓ ભારતને પોતાની તરફ વાળવા દિલ્હીની મુલાકાતે આવી ગયા. તેમાં રશિયા, ચીન અને બ્રિટનના વિદેશ પ્રધાનો ઉપરાંત અમેરિકાના નાયબ નેશનલ સલામતી સલાહકારનો પણ સમાવેશ થતો હતો. ભારતને ચીન સાથે સરહદનો વિવાદ થયો તેને હલ કરવા માટે પણ ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે નહોતા આવ્યા. તેઓ યુક્રેનના યુદ્ધને પગલે પેદા થયેલી પરિસ્થિતિની ચર્ચા કરવા અચાનક ભારતની મુલાકાતે આવી ગયા. તેમાં જર્મનીના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જેન્સ પ્લોટનરે અને બ્રિટનનાં વિદેશ મંત્રી લિઝ ટ્રુસે ભારતને મનાવવાની કોશિશ કરી તો અમેરિકાના નાયબ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર દલિપસિંહે તો ભારતને ધમકી આપી હતી કે રશિયાનો સાથ આપવાની ભારે કિંમત તમારે ચૂકવવી પડશે.
રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવામાં આવતું હતું કે રશિયા એકાદ સપ્તાહમાં યુક્રેન પર કબજો જમાવી લેશે અને તેનું સૈન્ય નાટોના સીમાડા સુધી આવી જશે. હવે યુદ્ધમાં સહેલાઈથી જીત મેળવવાની રશિયાની યોજના નિષ્ફળ ગઈ છે ત્યારે પશ્ચિમના દેશો રશિયા પરના આર્થિક પ્રતિબંધો વધુ મજબૂત બનાવી તેના અર્થતંત્રને ખોરવી નાખવા માગે છે. વળી નૈતિક રીતે તેઓ રશિયાને જગતના ચોકમાં એકલું પાડી દેવા માગે છે. ભારતે એક બાજુ રશિયાની સીધી ટીકા કરવાનું ટાળ્યું છે તો બીજી બાજુ તે રશિયાનું ખનિજ તેલ ખરીદી રહ્યું હોવાથી પશ્ચિમના દેશોની મુરાદ બર આવતી નથી. તેઓ કોઈ પણ ભોગે ભારતને તેમના પક્ષમાં ખેંચવા માગે છે.
યુરોપના દેશોએ રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે, પણ તેઓ ચાહે છે કે ભારત રશિયા પાસેથી વધુ માત્રામાં ખનિજ તેલ ખરીદે નહીં. યુરોપના દેશો પોતાની બળતણની જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર હોવાને કારણે તેમને રશિયાના તેલ અને ગેસ વગર ચાલે તેમ જ નથી. એક અંદાજ મુજબ યુરોપ રશિયા પાસેથી રોજનું એક અબજ યુરોનું ઇંધણ ખરીદી રહ્યું છે. હકીકતમાં યુક્રેનમાં રશિયાના યુદ્ધનાં નાણાં યુરોપ જ પૂરાં પાડી રહ્યું છે. રશિયા હવે તેલ અને ગેસની ચૂકવણી રૂબલમાં કરવાની માગણી કરી રહ્યું છે. યુરોપના દેશો પાસે રૂબલ નહીં હોય તો તેમણે સોનું વેચીને રૂબલ ખરીદવાં પડશે. તેને કારણે ડોલર નબળો પડશે અને રૂબલ મજબૂત થશે. યુરોપ અને અમેરિકા ચાહે છે કે ભારત રશિયા પાસેથી મોટા જથ્થામાં ખનિજ તેલ ખરીદે નહીં. ભારત તેની ઇંધણની જરૂરિયાતના એક ટકા જ રશિયા પાસેથી ખરીદે છે. તે જો ૧૦ ટકા પણ રશિયા પાસેથી ખરીદવા માંડે તો રશિયાને જબરદસ્ત ફાયદો થાય તેમ છે. જો યુદ્ધ લાંબું ચાલે તો રશિયાને વધુ નાણાંની જરૂર પડશે. જો આ નાણાં ભારત પૂરાં પાડે તો ભારત રશિયાનું જોડીદાર બની જશે.
યુક્રેનમાં યુદ્ધનો પ્રારંભ થયો તે પછી ચીનનું ભારત તરફનું વલણ કૂણું પડ્યું છે. ચીનના મીડિયામાં હમણાં હમણાં ભારતની ટીકા કરતા હેવાલોનું પ્રકાશન રોકી દેવામાં આવ્યું છે. ચીનના વિદેશ પ્રધાન યાંગ લી હમણાં ભારતની આશ્ચર્યજનક મુલાકાતે આવી ગયા. તેમને ભારતે કોઈ આમંત્રણ મોકલ્યું નહોતું. તેમણે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવાલ સાથે અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળ્યા નહીં. ચીનના વિદેશ મંત્રી સરહદ વિવાદના ઉકેલ માટે નહોતા આવ્યા, પણ રશિયા માટે ભારતનો ટેકો માગવા આવ્યા હતા. જો રશિયા અને ચીન સાથે ભારત પણ જોડાઈ જાય તો તેઓ આખી દુનિયાને ઝૂકાવી શકે તેમ છે. ચીન અને રશિયા તે માટે ભારતને પોતાના પક્ષમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે. વર્તમાન વિશ્વમાં તાકાતો એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે તેમાં ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી ગયું છે. ભારત એશિયાની મહાસત્તા હોવા ઉપરાંત જગતની સૌથી મોટી લોકશાહી પણ છે. ભારત પાસે યુવાધન છે અને વિશ્વનું મોટામાં મોટું બજાર પણ છે. લશ્કરી દૃષ્ટિએ પણ ભારત મજબૂત બની ગયું છે. ભારત તમામ મહાસત્તાઓથી સલામત અંતર રાખીને પોતાનાં હિતોનું રક્ષણ પણ કરી શકે છે. આ પરિસ્થિતિમાં ભારતની નેતાગીરી યોગ્ય દાવ રમશે તો ભારત વિશ્વગુરુ બની શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.