આખરે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું છે, પણ અમેરિકા યુક્રેનની મદદે દોડી ગયું નથી. યુરોપના દેશો પણ યુક્રેનને મદદ કરવાની બાબતમાં ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ અપનાવી રહ્યા છે. રશિયાના પ્રમુખ પુતિન અત્યંત આક્રમક મિજાજમાં છે. તેઓ ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ રશિયાનું વિઘટન થયું તેનો બદલો લેવાના મૂડમાં છે. રશિયા અને અમેરિકા વચ્ચે સત્તાની સાઠમારીમાં ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. રશિયા ભારતનું જૂનું મિત્ર છે. ભારતને બે તૃતિયાંશ શસ્ત્રો રશિયા તરફથી મળે છે. અમેરિકા અને યુરોપના દેશો સાથે પણ ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પના કાળમાં અમેરિકા સાથે ઉષ્માભર્યા સંબંધો વિકસાવ્યા હતા. ચીન દ્વારા સરહદ પર કરવામાં આવતાં ઊંબાડિયાનો પ્રતિકાર કરવા ભારતને અમેરિકાના પીઠબળની જરૂર છે.
વળી યુક્રેન કટોકટીમાં ચીન રશિયાની પડખે હોવાથી પણ ભારત માટે મોટી વિમાસણ પેદા થઈ છે. ભારતે હજુ સુધી રશિયાના આક્રમણને વખોડી કાઢ્યું નથી, પણ નરો વા કુંજરો વા ની જેમ બંને પક્ષને સંયમ રાખવાનો ઉપદેશ આપ્યા કર્યો છે. યુક્રેનને લાગે છે કે ભારત રશિયાનો મક્કમ શબ્દોમાં વિરોધ નહીં કરીને તેને અન્યાય કરી રહ્યું છે. ભારતને ડર છે કે જો તે રશિયાનો ઉગ્ર શબ્દોમાં વિરોધ કરશે તો રશિયા નારાજ થઈ જશે. રશિયાને નારાજ કરીને ભારત ચીનને પણ નારાજ કરવા માગતું નથી. ભારતના રશિયા અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે, પણ તે સંબંધો એટલા મજબૂત નથી કે ભારત બંને મહાસત્તાઓને યુદ્ધથી દૂર રહેવા સમજાવી શકે. ૧૯૬૨ માં રશિયા અને અમેરિકા ક્યુબન મિસાઇલ કટોકટીમાં રોકાયેલા હતા ત્યારે ચીને લાગ જોઈને ભારત પર આક્રમણ કરી દીધું હતું. જો ઇતિહાસનું પુનરાવર્તન થાય અને ચીન ફરી વખત આક્રમણ કરે તો અમેરિકા ભારતની મદદ કરી નહીં શકે.
રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન છેક ૨૦૧૪ થી પોતાના દેશને યુક્રેન સામેના યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા હતા. તેણે ક્રીમિયા પર પોતાનો કબજો જમાવ્યો તે આ વ્યૂહરચનાનો ભાગ જ હતો. ૧૯૯૦ પછીના ત્રણ દાયકામાં રશિયા શક્તિશાળી બનતું ગયું છે, જ્યારે અમેરિકા સતત નબળું પડતું ગયું છે. સીરિયા અને અફઘાનિસ્તાનમાં અમેરિકાને નામોશી સહન કરવી પડી હતી. જગતના જમાદાર તરીકેની અમેરિકાની છાપ ઝાંખી પડી છે. રશિયા પાસે ૬૩૦ અબજ ડોલરનું હૂંડિયામણનું અનામત ભંડોળ છે અને અનાજની બાબતમાં તે સ્વાવલંબી બની ગયું છે. રશિયાએ પોતાના લશ્કરને અદ્યતન શસ્ત્રોથી સજ્જ બનાવી દીધું છે. તેણે પોતાનું વિદેશી દેવું ઘટાડીને જીડીપીના ૨૫ ટકા જેટલું કરી દીધું છે.
અમેરિકાના સંરક્ષણ પાછળના ખર્ચમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રશિયાના ખર્ચમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે. અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેની રશિયા પર નહીંવત્ અસર થઈ છે. અમેરિકા રશિયાને સ્વિફ્ટ સિસ્ટમમાંથી બાકાત કરી શકે તેમ નથી; કારણ કે ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ વગેરે દેશોને રશિયા પાસેથી અબજો ડોલર લેવાના છે. અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન સાથે ચકમકનો અનુભવ કરી જ રહ્યું છે. અમેરિકાને રશિયા અને ચીન સામે બે મોરચે લડવું પરવડે તેમ નથી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને નિવેદન કર્યું છે કે તેઓ યુક્રેનમાં લશ્કર મોકલવાના નથી. આ નિવેદનને અમેરિકાની નબળાઇ તરીકે જોવામાં આવે છે. યુરોપના દેશો પણ રશિયા સાથે સીધી ટક્કર લેવાના મૂડમાં નથી. આ કારણે રશિયા યુક્રેનમાં પોતાનું ધાર્યું કરી શકશે તેમ લાગે છે.
વ્લાદિમિર પુતિનનો ઇરાદો ૧૯૯૦ પહેલાંના સોવિયેટ સંઘને ફરીથી જીવતો કરવાનો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેમનું સ્પષ્ટ મંતવ્ય છે કે ૧૯૧૭ માં આધુનિક યુક્રેનના સર્જનમાં રશિયાની ભૂમિકા બહુ મહત્ત્વની હતી. અમેરિકા હાલ યુક્રેનની મદદ કરી શકે તેમ નથી. તે યુક્રેનને રશિયાની શરતો સ્વીકારી લેવાની સલાહ આપશે તેમ લાગે છે. રશિયાનો મુખ્ય વાંધો એ છે કે રશિયાથી છૂટું પડ્યા પછી યુક્રેન મૂડીવાદી બની ગયું અને યુરોપિયન યુનિયનની નજીક સરકી ગયું છે. રશિયા યુક્રેનમાં મૂડીવાદી સરકારને ઉથલાવી પાડી રશિયાતરફી સરકારની સ્થાપના કરવા માગે છે. યુક્રેનની પશ્ચિમ સરહદે આવેલા રોમાનિયા, પોલાન્ડ, લાટવિયા અને લિથુનિયા જેવા દેશોને ડર છે કે યુક્રેન પર કબજો જમાવ્યા પછી રશિયા તેના પર પણ હુમલો કરશે. આ રીતે રશિયા પૂર્વ યુરોપમાં ફરીથી સામ્યવાદ ફેલાવી દેશે. પૂર્વ યુરોપના નાના દેશો દ્વારા નાટોની મદદ માગવામાં
આવી છે.
ગયા વર્ષે યુક્રેન બાબતે રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધતું ગયું તે પછી ભારતે તટસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ભારત માટે હવે લાંબો સમય તટસ્થ રહેવું સંભવિત નથી. તા. ૩૧ જાન્યુઆરીના યુનોની સલામતી સમિતિમાં યુક્રેન બાબતમાં મતદાન થયું ત્યારે ભારતે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અમેરિકા દ્વારા રશિયાના આક્રમણનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો, પણ ભારતે મગનું નામ મરી પાડ્યું નહોતું. તેણે બંને પક્ષોને સંયમ રાખવાની સૂફિયાણી સલાહ આપી હતી. ભારતે યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાની ટીકા કરવાનું ઇરાદાપૂર્વક ટાળ્યું છે. ભારતનું આ વર્તન તટસ્થ નથી પણ રશિયા તરફ ઝૂકેલું છે. ભારતના વિદેશ પ્રધાન તાજેતરમાં ફ્રાન્સની મુલાકાતે ગયા ત્યારે તેમણે યુક્રેનની કટોકટી માટે યુરોપિયન યુનિયનની વિસ્તરણવાદી નીતિને જવાબદાર ઠેરવી હતી. ફેબ્રુઆરીમાં મેલબોર્નમાં ક્વાડના વિદેશ પ્રધાનોની બેઠક મળી તેમાં અમેરિકા, જપાન અને ઓસ્ટ્રેલિયા દ્વારા રશિયાના યુક્રેન સરહદે લશ્કર જમાવવાનાં પગલાંની ટીકા કરવામાં આવી હતી, પણ ભારત તે બાબતમાં મૌન રહ્યું હતું. આ કારણે ક્વાડના સંયુક્ત નિવેદનમાં યુક્રેનનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નહોતો. તા. ૨૨ ફેબ્રુઆરીના યુનોની સલામતી સમિતિમાં યુક્રેનની ચર્ચા થઈ તેમાં પણ ભારત રશિયાની સીધી ટીકા કરવાથી દૂર રહ્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને પુતિન સાથે વાત કરી હતી, પણ તેમણે યુક્રેન પરના હુમલા બાબતની નિંદા કરી નહોતી. આ બાબતમાં ભારતને રશિયાની તરફેણમાં રહેવાની ફરજ પડી રહી છે.
વિશ્વમાં જ્યારે ઠંડો વિગ્રહ ચાલી રહ્યો હતો ત્યારે ભારત દ્વારા બિનજોડાણવાદની નીતિ દાયકાઓ સુધી પકડી રાખવામાં આવી હતી. હકીકતમાં વિશ્વમાં જે બિનજોડાણવાદી ચળવળ ચાલી તેનું નેતૃત્વ ભારતે લીધું હતું. હવે સમય બદલાઈ ગયો છે. હવે દુનિયાનો કોઈ દેશ દૂધમાં અને દહીંમાં પગ રાખીને અલિપ્ત રહી શકે તેમ નથી. રશિયા અને અમેરિકા વચ્ચેના પાવર સ્ટ્રગલમાં રશિયાનો હાથ ઉપર હોવાનું જણાય છે. જો ભારત અમેરિકા તરફ ઢળશે તો રશિયા અને ચીન ભેગા થઈને ભારત પર તૂટી પડશે. તેવું ન બને તે માટે ભારતે અમેરિકા તરફ ઢળવાનું બંધ કરવું પડશે. ભારતે તે માટે ક્વાડ સમૂહમાંથી નીકળી જવું પડશે, જેનું સર્જન ચીનનો પ્રતિકાર કરવા માટે થયું છે. લોટ ફાકવાનું અને ફૈબા બોલવાનું કામ સાથે કરી શકાય નહીં. જો ભારત અલિપ્ત ન જ રહી શકે તેમ હોય તો ભારતે રશિયાની પડખે રહેવું જોઈએ. રશિયાની મદદ લઈને ભારતે ચીન સાથેના સંબંધો સુધારી લેવા જોઈએ. પછી જો વિશ્વયુદ્ધ થાય તો ભારત મોટી ખાનાખરાબીથી બચી જશે.
.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.