Business

ટ્રમ્પના ટેરિફ સામે ભારતની પ્રતિક્રિયા: અમેરિકા પાસેથી શસ્ત્રો વિમાનોની ખરીદી રોકી, રક્ષામંત્રીનો US પ્રવાસ રદ

ભારતે અમેરિકન શસ્ત્રો અને વિમાનો ખરીદવાની યોજના અટકાવી દીધી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ એક મોટું પગલું કહેવામાં આવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલમાં ત્રણ સરકારી અધિકારીઓને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે.

ટેરિફ વિવાદ વચ્ચે ભારતે અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાનો ખરીદવાની યોજના અટકાવી દીધી છે. સમાચાર એજન્સી રોઇટર્સે ત્રણ ભારતીય અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા પછી આ ભારતનો પહેલો નક્કર પ્રતિભાવ માનવામાં આવી રહ્યો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ ભારતીય સંરક્ષણ પ્રધાન આગામી અઠવાડિયામાં સંરક્ષણ સોદા માટે અમેરિકાની મુલાકાત લેવાના હતા. હવે આ મુલાકાત રદ કરવામાં આવી છે. માહિતી અનુસાર ભારત અમેરિકા પાસેથી P8i સર્વેલન્સ એરક્રાફ્ટ, સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલ્સ અને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલ ખરીદવાનું હતું. ટેરિફને કારણે આ સોદો પણ અટકાવી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ભારતના સંરક્ષણ મંત્રાલય અને પેન્ટાગોન દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે ભારતીય મીડિયામાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સાથેના સંરક્ષણ કરારને રદ કરવાનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે
ભારતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશો પોતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને મોસ્કો સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અમેરિકા મુલાકાત રદ
આ શસ્ત્રો માટેનો સોદો આગામી અઠવાડિયામાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અમેરિકા મુલાકાત દરમિયાન થવાનો હતો. આમાં જનરલ ડાયનેમિક્સના સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ, એન્ટી-ટેન્ક મિસાઈલ જેવલિન અને ભારતીય નૌકાદળ માટે 6 બોઇંગ P8I રિકોનિસન્સ એરક્રાફ્ટની ખરીદીનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ શસ્ત્રોની ખરીદી માટેનો આ સોદો $3.6 બિલિયનનો હતો જે હાલમાં પ્રશ્નાર્થમાં છે. અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે રાજનાથ સિંહની અમેરિકા મુલાકાત પણ રદ કરવામાં આવી છે.

ભારત લડાયક વાહનો ખરીદવાનું હતું
ભારત જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સ પાસેથી સ્ટ્રાઇકર લડાયક વાહનો અને રેથિયોન અને લોકહીડ માર્ટિન (LMTN) પાસેથી જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલો ખરીદવાનું હતું. ટ્રમ્પ અને મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની ખરીદી અને સંયુક્ત ઉત્પાદન માટેની યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top