Gujarat

દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ‘યુથ પાર્લામેન્ટ’ યોજાશે, એક દિવસ વિદ્યાર્થીઓ ચલાવશે સંસદ

ગાંધીનગર: દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ મામલે રસપ્રદ વાત તો એ છે કે વિધાનસભામાં ચાલનારા સત્રમાં વિદ્યાર્થી જ મુખ્યમંત્રી હશે અને વિદ્યાર્થી જ અધ્યક્ષ હશે. ભારતના ઇતિહાસમાં આ પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના પ્રથમ મહિલા સ્પીકર નીમાબેન આચાર્યના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. એક દિવસીય વિધાનસભા સત્ર આગામી જુલાઈમાં યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ ધારાસભ્ય તરીકે બેસશે. આ બાબતને વિધાનસભાના અધ્યક્ષે પણ સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.

યુથ પાર્લામેન્ટ
આ અંગે નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓ માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓને એક દિવસના સત્રમાં બોલાવવામાં આવશે. વધુમાં સ્પીકરે જણાવ્યું હતું કે પસંદ કરવામાં આવેલા 182 વિદ્યાર્થીઓમાંથી એક મુખ્યમંત્રી હશે, એક વિપક્ષના નેતા હશે જ્યારે એક વિદ્યાર્થી અધ્યક્ષ હશે. આ સિવાય બાકીના 179 વિદ્યાર્થીઓ ધારાસભ્યની ભૂમિકા ભજવશે. ટૂંક સમયમાં જ સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

યુવા સંસદમાં શું હશે ખાસ?
આ યુવા સંસદમાં સામાન્ય સભાના સત્ર દરમિયાન પ્રશ્નકાળ રહેશે. જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે. મંત્રી બનેલા વિદ્યાર્થીઓ જ સવાલનો જવાબ આપશે. આ યુવા સંસદનો ઉપયોગ યુવાનોને લોકશાહી પ્રથા અને રાજકીય પ્રવૃતિ વિશે વધુ જાગૃત કરવા માટે કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સંસદમાં બેસનાર યુવાઓના માધ્યમથી લોકોને આ અનોખો સત્ર જોવાનો મોકો મળશે. અંદાજિત 400 લોકોને આમંત્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની અંદર પુછાઈ રહેલા પ્રશ્નોના જવાબ આપવા માટે વિભાગીય મંત્રી જવાબદાર હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહેલી યુવા સંસદની અંદર વિદ્યાર્થીઓમાંથી જ મંત્રી બનાવાશે. યુવા સાંસદનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એવા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે કે જેઓ આગામી સમયમાં 18 વર્ષ કે તેથી વધુ વયના થશે અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.

Most Popular

To Top