સુરત: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Minister) કોરોનાના (Corona) નવા સબ-વેરિઅન્ટ JN1ને લઈને સાવધાન (Alert) થઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રમાંથી કોવિડ- 19ના (COVID-19) કેસોમાં થયેલા નવા વધારાને ધ્યાનમાં રાખીને રાજયોને એક એડવાઈઝરી જારી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટનો એક નવો મામલો સામે આવ્યો છે. જેથી સુરત મહાનગર પાલિકાની (SMC) આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવાના શરુ કરી દેવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ઠેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી.
કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. આરટી પીસીઆર અને એન્ટિજેન પરીક્ષણોનો રિપોર્ટ જાળવી રાખવા સૂચના અપાઈ છે. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બિમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય SARS CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવા પણ કહ્યું છે. જેથી સમયસર નવા વેરીએન્ટને શોધી શકાય.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ, સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરીગ અને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો જીનોમ સિકવસિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રીવ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે.