નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસથી ફ્રાંસમાં (France) અટવાયેલું પ્લેન આજે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર લેન્ડ થશે. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં 300 થી વધુ મુસાફરો છે અને તેમાંથી મોટાભાગના ભારતીય (Indian) મૂળના લોકોનો સમાવેશ થાય છે. માનવ તસ્કરીના (Human Trafficking) આરોપમાં ફ્રાંસ સરકારે આ વિમાનને રોકી દીધું હતું.
તમને જણાવી દઈએ કે રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના A340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ દરમિયાન ફ્રાંસ સરકારને માહિતી મળી હતી કે આ પ્લેન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ ફ્રાન્સે આ પ્લેનને રોકી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન થોડા સમય પછી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ શકે છે.
ફ્રાન્સની સરકારે મુસાફરોની અટકાયત કરી અને માનવ તસ્કરીના એંગલથી મામલાની તપાસ કરી. ફ્રાન્સની કોર્ટે રવિવારે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન ચાર ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, મુસાફરોમાં ઘણા હિન્દી ભાષી અને ઘણા તમિલ ભાષી લોકો હતા. સુનાવણી પછી, ન્યાયાધીશોએ પ્લેનને રવાના કરવાનો આદેશ આપ્યો અને તપાસ પ્રક્રિયામાં ઘણી અનિયમિતતાઓને ટાંકીને કેસની સુનાવણી પણ રદ કરી. નોંધનીય છે કે વિમાનમાં 11 સગીરો પણ સવાર છે.
માનવ તસ્કરીના આરોપો પર, લિજેન્ડ એરલાઈન્સના વકીલે કહ્યું હતું કે તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. ફ્રાન્સમાં ભારતીય મુસાફરોની ફ્લાઈટ રોકી દેવામાં આવ્યા બાદ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ વેત્રી એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ભારતીય મુસાફરોની સુવિધાઓની કાળજી લીધી હતી. ફ્રાંસમાં ફસાયેલા મુસાફરો માટે એરપોર્ટ પર જ પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી.
