નવી દિલ્હી: (New Delhi) આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Election) યોજાવાની છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. દરમિયાન દેશમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) એટલે કે સમાન નાગરિક સંહિત (યુસીસી) લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકાર દ્વારા રચવામાં આવેલા 22મા કાયદા પંચે સમાન નાગરિક સંહિતા પર સામાન્ય લોકો અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ પાસેથી પરામર્શ અને અભિપ્રાય મેળવવાનું કાર્ય શરૂ કર્યું છે.
સરકાર દ્વારા સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં સમિતિઓની રચના પણ કરી દેવામાં આવી છે. આ સમિતિઓ વિવિધ ધર્મો, સમુદાયો અને નિષ્ણાતો પાસેથી આ અંગે અભિપ્રાય લઈ રહી છે. તેના આધારે આ અંગે કાયદો તૈયાર કરવામાં આવશે. કહેવાય છે કે સરકાર તેને પહેલા રાજ્યોમાં લાગુ કરવા માંગે છે.
એકલા ઉત્તરાખંડમાં જ આ મામલે લગભગ 2.5 લાખ સૂચનો મળ્યા હતા. સમિતિએ તેનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત લગભગ તમામ હિતધારકો સાથે વાતચીત કર્યા પછી સમિતિ અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠકો કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કમિટી ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આપશે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા જે બાબતે બંધારણમાં એવી જોગવાઈ હશે કે દેશમાં તમામ નાગરિકો માટે સમાન કાયદા હશે. તો પછી તે કોઈપણ ધર્મ, જાતિ કે સમુદાયનો કેમ હોય. આ કાયદામાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને સંપત્તિના વિભાજનની પ્રક્રિયામાં સમાન કાયદો તમામ ધર્મો પર લાગુ થશે.
સમાન નાગરિક સંહિતા એ એક બિનસાંપ્રદાયિક કાયદો છે જે તમામ ધર્મના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. તેના દ્વારા દરેક ધર્મ માટે સમાન કાયદો આવશે. હાલમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ અંગત કાયદા છે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ ખતમ થઈ જશે. આમાં મહિલાઓ અને પુરુષોને પણ સમાન અધિકાર મળશે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો પર્સનલ લો ધરાવે છે જ્યારે હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ હિંદુ સિવિલ કોડ હેઠળ આવે છે.
કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર નવેસરથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત લોકો અને ધાર્મિક સંગઠનોના સભ્યો સહિત વિવિધ પક્ષોના મંતવ્યો જાણવામાં આવશે. આ બાબતમાં રસ ધરાવતા લોકો અને અન્ય રસ ધરાવનાર વ્યક્તિઓ નોટિસની તારીખથી 30 દિવસની અંદર કાયદા પંચને તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.
અગાઉ 21મા કાયદા પંચે આ મુદ્દાની તપાસ કરી હતી. પંચે બે વખત તમામ પક્ષકારોના મંતવ્યો માંગ્યા હતા. 21મા કાયદા પંચનો કાર્યકાળ ઓગસ્ટ 2018માં સમાપ્ત થયો હતો. ત્યારબાદ 2018માં ‘ફેમિલી લો રિફોર્મ્સ’ પર કન્સલ્ટેશન પેપર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્રણ વર્ષ વીતી ગયા. આવી સ્થિતિમાં સરકારે તેના પર નવેસરથી કામ શરૂ કર્યું છે. આ અંતર્ગત મોટા પાયે લોકો અને ધાર્મિક સંસ્થાઓના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ પહેલા ઘણા રાઉન્ડની બેઠકો પછી કાયદા પંચે UCC પર વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે. તેના આધારે કેન્દ્ર સરકાર UCC બિલ તૈયાર કરશે.