National

ટૂંક સમયમાં દેશમાં માણસો ડ્રોન પર સવારી કરી શકશે, 200 કિલો સામાન ડ્રોન દ્વારા લઈ જઈ શકાશે- ગડકરી

ભારત (India) ટેક્નોલોજી (Technology) ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. ચંદ્રયાન-3 બાદ હવે ભારત દેશ સૂર્યની નજીક પર પહોંચશે. તેવામાં દેશના નાગરિકોને વધુ ઝડપી બનાવવા માટે તેમને આધુનિક સુવિધાઓ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હવે દેશમાં ડ્રોન (Drone) પર સવારી કરી માણસો પણ ઉડતા દેખાય તો નવાઈ નહીં. નાગપુરમાં રાષ્ટ્ર નિર્માણ સમિતિ દ્વારા આયોજિત અખંડ ભારત સંકલ્પ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ દેશમાં આવનારી ભવિષ્યની આધૂનિક ટેક્નોલોજી વિશે વાત કરી હતી. તેમણે ડ્રોન ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વિશે વાત કરતાં કહ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં લોકો હવામાં ઉડતા દેખાશે. લોકો ડ્રોનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે. આ સિવાય તેમણે કહ્યું કે 200 કિલો સુધીનો સામાન હવે ડ્રોન દ્વારા હવાઈ માર્ગે લઈ જઈ શકાશે.

બેંગ્લોરમાં હવામાં ઉડતી ડબલ ડેકર બસ જેમાં 250 લોકો બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આ અંગે વાત કરતા ગડકરીએ કહ્યું કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. તેનો વિકાસ કરવો પડશે. દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવો પડશે. ભારતને આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત રાખવું પડશે. દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો પડશે કે આપણે આપણા દેશને સમગ્ર વિશ્વમાં મહાસત્તા બનાવીશું. ભારતને સુપર ઈકોનોમીક દેશ બનાવીશું.

એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ડ્રોનનો ઉપયોગ પહાડીઓ પર સેવની ખેતી માટે કરવામાં આવે છે. આ પ્રયોગમાં ડ્રોનને જમીનથી પહાડ પર મોકલવામાં આવ્યું હતું અને તેના પર સેવને રાખીને નીચે લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો, જંતુનાશક દવાઓ, દવાઓ ડ્રોન દ્વારા નીચેથી ઉપર સુધી મોકલવામાં આવી હતી.

ડ્રોન દેશની રક્ષા પણ કરશે
નાગપુર સ્થિત બિઝનેસમેન સત્યનારાયણ નૌવાલ વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે નૌવાલની ફેક્ટરીમાં ડ્રોનથી 200 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલ બનાવવામાં આવી રહી છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આપણી શક્તિ વધી રહી છે. આ શક્તિ વધારવા પાછળનું કારણ અન્ય દેશોની જમીન પર કબજો કરવાનો નથી પરંતુ ફક્ત સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે સશક્ત વ્યક્તિ સમાજમાં શાંતિ અને અહિંસા સ્થાપિત કરી શકે છે.

Most Popular

To Top