નવી દિલ્હી: ભારતમાં (India) પગપેસારો કરી રહેલી નવી બીમારીને લઈને ડૉક્ટરોએ (Doctor) એલાર્મ સંભળાવ્યું છે. સામાન્ય રીતે જેને ‘ટામેટાં ફ્લૂ’ કહેવામાં આવે છે, જે હાથ, પગ અને મોંના રોગનો એક નવો પ્રકાર છે. આ રોગના કેસ તાજેતરમાં કેરળ અને ઓડિશામાં જોવા મળ્યા છે.
લેન્સેટ રેસ્પિરેટરી જર્નલના જણાવ્યા અનુસાર, ”ગઈ 6 મેના રોજ પ્રથમ વખત ‘ટામેટાં ફ્લૂ’ના કેસ કેરળના કોલ્લમમાં નોંધાયા હતા અને અત્યાર સુધીમાં 82 બાળકોને ચેપ લાગ્યો છે. આ બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે.” લેન્સેટે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ”જેમ આપણે કોવિડ-19ની ચોથી લહેરના સંભવિત ઉદભવ સાથે લડી રહ્યા છીએ, તેવી જ રીતે ટામેટાં ફ્લૂ અથવા ટામેટાં તાવ તરીકે ઓળખાતો એક નવો વાયરસ ભારતમાં કેરળ રાજ્યમાં 5 વર્ષથી નાના બાળકોમાં ઊભરી આવ્યો છે.” ચેપી રોગ આંતરડાના વાયરસને કારણે થાય છે અને પુખ્ત વયના લોકોમાં દુર્લભ છે. કારણ કે, સામાન્ય રીતે તેમની રોગપ્રતિકારક શક્તિ વાયરસથી બચાવવા માટે પૂરતી મજબૂત હોય છે. આ ચેપને ‘ટામેટાં ફ્લૂ’ નામ આપવામાં આવ્યું છે. કારણ કે લાલ, પીડાદાયક ફોલ્લાઓ જે દર્દીના શરીર પર દેખાય છે અને ધીમે-ધીમે ટામેટાંના કદમાં મોટા થાય છે.
- 6 મેના રોજ પ્રથમ ‘ટામેટાં ફ્લૂ’નો કેસ કેરળના કોલ્લમમાં નોંધાયો હતો, અત્યાર સુધીમાં 82 બાળકોને ચેપ લાગ્યો
- આ રોગમાં બાળકોના શરીરે ટામેટા જેવા ફોલ્લાઓ થાય છે અને તાવ આવે છે
લક્ષણોમાં ઉચ્ચ તાવ, શરીરમાં દુખાવો, સાંધાનો સોજો અને થાકનો સમાવેશ થાય છે – ચિકનગુનિયા જેવાં છે. કેટલાક દર્દીઓએ ઉબકા, ઊલટી, ઝાડા, તાવ, ડિહાઇડ્રેશન, સાંધામાં સોજો અને શરીરમાં દુખાવો પણ નોંધ્યો છે. લેન્સેટના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ભુવનેશ્વરમાં પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર દ્વારા ઓડિશામાં 26 બાળકો (1-9 વર્ષની વયના)ને આ રોગ હોવાનું નોંધવામાં આવ્યું છે. આજની તારીખમાં કેરળ, તમિળનાડુ અને ઓડિશા સિવાય, ભારતમાં અન્ય કોઈ પ્રદેશો વાયરસથી પ્રભાવિત થયા નથી.