National

ક્રિસમસ-ન્યૂયરની ઉજવણી પર સરકારનું કડક વલણ, કોવિડ-19 પર PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક

ચીન-અમેરિકા (China America) સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના નવા કેસમાં વધારાની સાથે ભારતમાં (India) પણ રોગચાળાને લઈને ફરીથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. દેશમાં વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે માહિતી મેળવી હતી. આ દરમિયાન યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુએ પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદથી શક્યતા વર્તાઈ રહી છે કે આવનારા દિવસોમાં ક્રિસમસ (Christmas) અને ન્યૂયરની ઉજવણી પર સરકાર વધુ કડક વલણ અપનાવશે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં પણ ચેપને રોકવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સહિત તમામ જવાબદાર વિભાગો અને અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં એક વાત સ્પષ્ટ રીતે સામે આવી છે કે લોકોને ભીડભાડવાળા કાર્યક્રમોમાં જવાનું બંધ કરવું જોઈએ. કોવિડ કેસોની દેખરેખ કરતી સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષની ઇવેન્ટ્સ સહિત અન્ય ભીડવાળા કાર્યક્રમો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસની ભારત જોડો યાત્રાને પણ બ્રેક લાગી શકે છે.

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આ રીતે નિયંત્રણો લાદવામાં આવશે તો કયા મોટા કાર્યક્રમોને અસર થશે. મળતી માહિતી મુજબ ક્રિસમસ સેલિબ્રેશન પર તેની વધુ અસર પડી શકે છે. આ ઉપરાંત નવા વર્ષ નિમિત્તે યોજાનાર કાર્યક્રમો પર પણ તેની અસર થવાની શક્યતા છે. નવા વર્ષની રજાઓ પર જતા લોકો પર પણ તેની અસર પડી શકે છે. જણાવી દઈએ કે બે વર્ષના લાંબા સમયગાળા બાદ લોકો આ વર્ષે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉવજણી કરવાના ઉત્સાહમાં છે. જેને કારણે દેશમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફૂલ થઈ ગઈ છે. ત્યાં સુધી કે દેશના મોટા એરપોર્ટ પર લોકોની એટલી ભીડ છે કે તેને મેનેજ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જો માર્ગદર્શિકા તાત્કાલિક જારી કરવામાં ન આવે તો પણ લોકોએ ભીડવાળા કાર્યક્રમો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

કોવિડ પ્રોટોકોલ લાગુ કરી શકાય છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી સતત ચાલી રહેલી બેઠકોમાં આગામી દિવસોમાં પરિસ્થિતિને કેવી રીતે કાબૂમાં લઈ શકાય તેના પર ચર્ચા થઈ રહી છે. આ મીટીંગમાં હાજર સ્વાસ્થ્ય બાબતો સાથે જોડાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને કારણે અગાઉ જે સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા તેને ફરી એકવાર લાગુ કરવાની જરૂર છે. તે પ્રોટોકોલને કારણે માત્ર ભીડવાળા કાર્યક્રમોના આયોજન પર જ પ્રતિબંધ ન હતો પરંતુ આવા સ્થળોની મુલાકાત લેવા માટે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત હતું. સૂત્રોનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં આપણા દેશમાં સંક્રમણને રોકવા માટે આવા કેટલાક સાવચેતીના કડક પગલાં લેવામાં આવી શકે છે.

કોવિડ મામલાઓ પર દેખરેખ રાખનારી સમિતિ સાથે જોડાયેલા એક વરિષ્ઠ સભ્યનું કહેવું છે કે જો હવે કડક પગલાં લેવામાં આવે તો આવનારા દિવસોમાં ચીન, જાપાન અને વિશ્વના અન્ય દેશો જેવી સ્થિતિને ટાળી શકાય છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં ભાગ લેનાર એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ક્રિસમસ ઈવેન્ટ્સથી લઈને નવા વર્ષની ઈવેન્ટ્સ અને જાહેર રજાઓના ઈવેન્ટ્સમાં લોકોએ અત્યંત સાવધન રહેવાની જરૂર છે. આ વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે બેઠકમાં આવી ઘટનાઓ અને ભીડભાડવાળા કાર્યક્રમોને લઈને સાવધાન રહેવા અંગે પણ ચર્ચા થઈ હતી. જો કે તેમનું કહેવું છે કે હજુ સુધી આવા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ જો સ્થિતિ વધુ વણસે તો આ નિર્ણય પણ લઈ શકાય છે.

અધિકારીઓની બેઠકમાં ચીનથી આવતી ફ્લાઈટ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે કોવિડના કેસ ચીનની સાથે સાથે અમેરિકા, જાપાન અને ફ્રાન્સ સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ વધી રહ્યા છે. તેથી આ તમામ દેશોમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જે પણ નિર્ણય લેવામાં આવશે તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિની ભલામણના આધારે જ નાગરિક ઉડ્ડયન વિભાગનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યાંથી આવતા લોકોની જૂની સિસ્ટમ મુજબ તપાસ થવી જોઈએ.

Most Popular

To Top