નવી દિલ્હી: (New Delhi) ખાલિસ્તાની આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને પાયાવિહોણા આરોપો લગાવી રહેલા કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) સામે ભારતે હવે મોટો વળતો પ્રહાર કર્યો છે. ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે. ભારતે એમ પણ કહ્યું છે કે જો કેનેડા આમ નહીં કરે તો આ રાજદ્વારીઓને ભારતમાં રાજદ્વારી છૂટ નહીં મળે. હાલમાં કેનેડામાં ભારતના રાજદ્વારીઓ ઓછા છે અને મોદી સરકારે હવે કેનેડાને એટલા જ રાજદ્વારીઓ રાખવા કહ્યું છે. ભારતનું આ પગલું કેનેડા માટે મોટો ફટકો સાબિત થશે.
- કેનેડા સામે ભારતની મોટી કાર્યવાહી, 40 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો
- ભારતે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાએ તેના 40 જેટલા રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવી લેવા જોઈએ
- ભારત ઈચ્છે છે કે કેનેડામાં ભારતના જેટલા રાજદ્વારીઓ છે કેનેડા પણ નવી દિલ્હીમાં તેટલા જ રાજદ્વારીઓ રાખે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડોના નિવેદન અને ભારતીય અધિકારીને પરત મોકલ્યા બાદ ભારતે હવે કેનેડા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાએ તેના 40 જેટલા રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવી લેવા જોઈએ. કેનેડા અને ભારત સરકારે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ નિવેદન આપ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ઈચ્છે છે કે કેનેડામાં ભારતના જેટલા રાજદ્વારીઓ છે કેનેડા પણ નવી દિલ્હીમાં તેટલા જ રાજદ્વારીઓ રાખે.
જયશંકરે ટ્રુડોના આરોપોને નકારી કાઢ્યા
કેનેડાના હાઈ કમિશનમાં ભારત કરતાં ઘણા વધુ રાજદ્વારીઓ છે અને તે કહે છે કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના 13 લાખ લોકો માટે આ જરૂરી છે. આ તેમના માટે કાઉન્સેલર એક્સેસ મેળવવાનું સરળ બનાવે છે. કેનેડાના હાલમાં ભારતમાં 62 રાજદ્વારીઓ હાજર છે. હવે ભારતે 62માંથી 40 લોકોને પાછા ફરવાનું કહ્યું છે. અગાઉ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારતે કેનેડિયનો માટે વિઝા પ્રતિબંધની જાહેરાત કરી હતી.
ભારતના આ વળતા પ્રહારને કારણે કેનેડા સાથેના સંબંધો હવે વધુ બગડ્યા છે. જસ્ટિન ટ્રુડો ભારતના નિજ્જર હત્યા કેસમાં વારંવાર પુરાવા માંગવા છતાં હજુ સુધી કોઈ નક્કર પુરાવા આપી શક્યા નથી. અગાઉ ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તે હજુ સુધી પોતાના દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા આપી શક્યા નથી અને તેના કારણે તે દુનિયામાં એકલા પડી ગયા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા.