Comments

ગંગા નદીની આગળનું ભારત: ભારતની બહાર ઈન્ડોસ્ફિયરનું વિસ્તરણ

વિશ્વના ફલક ઉપર ભારતનો પ્રભાવ તેના વિશાળ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ દ્વારા જ આંકી શકાય છે. વીતી ગયેલા યુગની એશિયન સંસ્કૃતિઓ ભારતને તેમના માર્ગદર્શનની પવિત્ર ભૂમિ તરીકે જોતી હતી. ભારતે હજારો વર્ષોથી વિવિધ દેશોને પોતાની સંસ્કૃતિ જાળમાં અહિંસક પદ્ધતિથી વણી લીધા છે, ભલે ને તે કોરિયા, કમ્બોડિયા કે તજાકિસ્તાન જ કેમ ન હોય. વૈશાખ મહિનાનો પ્રથમ દિવસ વિક્રમ સંવત (અને શક કેલેન્ડર) મુજબ વર્ષના પ્રારંભ તરીકે ભારતનાં વિવિધ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ ઘણાં ભારતીયો કદાચ જાણતાં નથી કે આ વાર્ષિક દિવસ ભારતીય સંસ્કૃતિ માટે કેટલું ઊંડું મહત્ત્વ ધરાવે છે.

જ્યારે આસામ પવિત્ર ગાયની પૂજા કરવા બોહાગ અથવા રોંગાલી બિહુની ઉજવણી કરશે, ત્યારે થાઇલેન્ડ શારીરિક આત્માઓને ધાર્મિક રીતે શુદ્ધ કરવા માટેના મહાન તહેવાર સોંગક્રાનની ઉજવણી કરશે. બે સંસ્કૃતિઓ વચ્ચે એવું જોડાણ છે કે જ્યારે મહારાષ્ટ્રમાં ઉગાડી ઉજવવામાં આવે છે, ત્યારે બાલી ટાપુ સમૂહના એક દૂરના ટાપુ ન્યેપીમાં પણ એ જ ઉત્સવ મનાવવામાં આવે છે. જ્યારે ઓડિયાઓ આદિ શક્તિને આહ્વાન કરવા માટે પાન સંક્રાંતિ ઉપર કલિંગની શક્તિપીઠોને શણગારે છે, ત્યારે બંગાળની ખાડીની બીજી બાજુ રહેતાં બર્મીઓ આ જ સમયે થિંગયાનને ગણેશ જન્મના દિવસ તરીકે ઉજવે છે.

કૃષ્ણે કરેલ નરકાસુરના વધના માનમાં આપણે જ્યારે વિશુની ઉજવણી કરીએ છીએ ત્યારે સિપ્સોંગપન્ના (યુનાન, ચીનમાં ઝિશુઆંગબન્ના)ના ભારતીય દાઈ લોકો સોંગરકાન જેવો જ પાણી-છંટકાવનો તહેવાર ઉજવે છે. સાજીબુ ચેઈરોબા દરમિયાન મણિપુરના ઇમ્ફાલની શેરીઓ એવી જ સજાવવામાં આવે છે જેની સજાવટ કમ્બોડિયાના ફનોમ પેન્હની સંક્રાંતિ ઉજવણીમાં જોવા મળે છે કેમકે બંને એક જ દિવસે ઉજવાય છે. આમ આ દિવસ માત્ર બિનસાંપ્રદાયિક વિચારોથી આગળ વધી અલગ-અલગ સમુદાયોને એક સાથે જોડે છે.

ભારત દેશને તેના રહેવાસીઓ દ્વારા માતા તરીકે મૂર્તિમંત કરવામાં આવ્યો છે. ધાર્મિક લોકોએ દેવી ભારતીને ભૂદેવી (માતા પૃથ્વી) ના અન્ય અવતાર સમાન ગણાવ્યાં છે. આ માન્યતા અન્ય દેશોમાં પણ જોઈ શકાય છે, જ્યાં વૈદિક ફિલસૂફીનો પ્રસાર થયો છે. આ ઘટનાનું એક નોંધપાત્ર ઉદાહરણ ઇન્ડોનેશિયાનું દ્વીપસમૂહ રાષ્ટ્ર છે જેને ઇબુ પેર્તિવી (પૃથ્વી દેવી) તરીકે મૂર્તિમંત કરવામાં આવ્યો છે. ભારતીય ફિલસૂફીમાં માતૃત્વ પ્રત્યેનો આદર અનાદિ કાળથી મૂળભૂત સિદ્ધાંત છે.

વૈદિક મૂલ્યોનો પ્રસાર એ માત્ર બહુમતીવાદી ખ્યાલ નથી પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં જીવતા વિવિધ આદિવાસી સમુદાયોએ પણ વૈદિક વિભાવનાઓને અપનાવી છે. ઉત્તરપૂર્વ ભારતમાં દરેક આદિવાસી સમુદાયનું વૈશાખ સંક્રાંતિ ઉજવણીનું પોતાનું સ્વરૂપ છે જેમ કે બવિસાગુ (બોડોસ), બિશુવા (કોચ રાજવંશી), બુઇસુ (ત્રિપ્રસા), બિઝુ (ચકમાસ), સાંખેન (તાઈ ફાકે) વગેરે. ઝારખંડના સંથાલ ગામની મુલાકાત લેતો પ્રવાસી તુસુ દેવીની પ્રતિમાને દેવી સરસ્વતી સમજવાની ભૂલ કરી શકે છે કેમકે બંને દેવીની પૂજા વસંત પંચમીના પવિત્ર દિવસે જ થાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં ભાષા અને સંસ્કૃતિનું વૈવિધ્ય જોવા મળતું હોવા છતાં એ દરેક વૈદિક સભ્યતાના જ એક ભાગ હતા. સમય જતાં, ભારતીય ફિલસૂફીઓ દરેક દેખીતી સરહદોને પાર જઈ સ્થાનિક લોકોના કોઈ પણ વિરોધ વિના તેમની સંસ્કૃતિમાં ભળી ગઈ. વૈદિક સંસ્કૃતિ જ્યારે તેની ટોચ ઉપર હતી, ત્યારે તે મધ્ય એશિયામાં સોગડિયાના અને બાહલિકાના ફળદ્રુપ મેદાનોથી લઈને વર્તમાન ફિલિપાઈન્સમાં આવેલા બુટુઆનના રાજહનાટ સુધી વિસ્તરેલી હતી. એક સન્યાસી સોગડિયામાં પંચેકાંતમાં શિવલિંગના કુંભભિષેકમમાં હાજરી આપી શકે છે અને ત્યાર બાદ વિશાળ ભૂપ્રદેશમાં મુસાફરી કરીને જાવામાં માતરમ રાજ્યમાં સમાન વિધિનો સાક્ષી બની શકે છે.

લોકો અલગ-અલગ ભાષાઓ બોલતાં,અલગ-અલગ ખોરાક ખાતાં અને અલગ-અલગ વસ્ત્રો પહેરતાં હોવા છતાં, તેઓ વૈદિક દેવતાઓને સમાન આહુતિઓ અર્પણ કરતાં હતાં. વીસમી સદીના પ્રસિદ્ધ ચિની ફિલસૂફ અને પેકિંગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હુ શિહે એક વાર કહ્યું હતું કે, “ભારતે તેની સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વિના ૨૦ સદીઓ સુધી ચીન ઉપર સાંસ્કૃતિક રીતે વિજય મેળવ્યો હતો અને પ્રભુત્વ જમાવ્યું હતું.’

કર્મ, પુનર્જન્મ અને મોક્ષ જેવી ભારતીય વિચારધારાઓ બૌદ્ધ ધર્મ દ્વારા ચીની સમાજમાં એટલી ઊંડે સુધી ભેળવી દેવામાં આવી છે કે ભારતીય આસ્થાને હવે હાન સમુદાય માટે સ્વદેશી ધર્મ માનવામાં આવે છે. કદાચ આ એક કારણ હોઈ શકે જેના કારણે કેટલાક હાન ચાઈનીઝમાં એવી ગેરસમજ છે કે ભારતીયો આજે પણ મોટા ભાગે બૌદ્ધ છે. વિખ્યાત બૌદ્ધ સાધુઓ જેમ કે ફા-હીએન અને મોક્ષદેવ (બોલચાલની ભાષામાં હયુએન ત્સાંગ કહેવાય છે)ની સફરોએ ભારતની વિશેષતાઓ ઉપર વ્યાપકપણે લખ્યું છે. એ નોંધવું રસપ્રદ રહેશે કે ચીન અને ભારત, બે પ્રાચીન સંસ્કૃતિઓ કે જે વિશ્વની મહત્તમ માનવ વસ્તી ધરાવે છે તે વીસમી સદીના મધ્યમાં સામ્યવાદના ઉદય પહેલાં ક્યારેય સંઘર્ષમાં આવી નહોતી.

જાપાન, જે તેના કોબે બીફ માટે જાણીતું છે તે ૧૯મી સદીના અંત સુધી લગભગ સંપૂર્ણ રીતે શાકાહારી હતું. ત્યાર બાદ ખ્રિસ્તી પ્રભાવ હેઠળ તેણે પરંપરાગત બૌદ્ધ ઉપદેશોને તિલાંજલિ આપવી પડી હતી. તેવી જ રીતે પડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે પણ બન્યું છે. જે દેશ એક સમયે મહત્તમ શાકાહારી હતો તે આજે તેની બૌદ્ધ પરંપરાઓ નબળી પડવાને લીધે મહત્તમ માંસાહારી બની ગયો છે, જેમાં પ્રોટેસ્ટંટ મિશનરીઓના પ્રભાવ બહુ ચાવીરૂપ ભૂમિકા ભજવી ગયો હતો.

આ એક કુખ્યાત ચળવળનો ભાગ છે જેમાં દરેક પરંપરાગત દેવ અને શીંતો મંદિરોને જુઠા દેવ જાહેર કરી તેમનો નાશ કરવામાં આવે છે. તેને કારણે સર્જાતો શૂન્યાવકાશ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ભરવામાં આવ્યો, જેના પરિણામે દક્ષિણ કોરિયા આજે ખ્રિસ્તી ધર્મનો ગઢ છે. અન્ય ઈન્ડોસ્ફિયરના (ભારતીય પ્રભાવના વિસ્તારો) રાષ્ટ્રો માટે પણ આ જ હકીકત છે. જેમ કે મલેશિયા જે એક સમયે મલય, ધર્મશ્રય અને તંબ્રાલિંગ જેવા વિવિધ ભારતીય સામ્રાજ્યોનું ઘર ગણાતું હતું. આજે તે ભારતીયોને હલકાં સમજે છે. જે લોકો ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને વારસાને બદનામ કરે છે તે લોકો એ નથી સમજી શકતાં કે ભારતને યુરોપનાં ચશ્માં વડે જોવાનો કોઈ અર્થ નથી.

તે લોકો ભારતને સમજવામાં નિષ્ફળ જાય છે કેમકે તેમનાં મૂલ્યોને ભારતની સંસ્કૃતિથી મૂલવવી અશક્ય છે. તેથી ભારતીય સંસ્કૃતિ જેને આધ્યાત્મિકતા અને આદરભાવના વડે વિશ્વની અનેક સંસ્કૃતિઓને સમૃદ્ધ બનાવી છે તેના ઉપર ચિંતન કરવું પાશ્ચાત્ય સંસ્કૃતિના વ્યક્તિઓ માટે અકલ્પનીય બની રહે છે.

ભારતની ભવ્ય સભ્યતા આજે પાશ્ચાત્ય માનસિકતાના અતિરેકમાં બાજુ ઉપર ધકેલાઇ ગઈ છે. તેમ છતાં, ભારતના ભવ્ય વારસાની અસરો આજે પણ અનુભવી શકાય છે. વિશ્વના અનેક દેશોમાં ભારતીય વારસા અને તેની સંસ્કૃતિની નિશાનીઓ તે દેશનાં મૂલ્યો, પરંપરાઓ અને આધ્યાત્મિક વારસામાં આજે પણ જીવિત છે. જો ભારતને ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો રાષ્ટ્ર અને નાગરિકોની મહેનત વડે અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવી જોઈએ.

Most Popular

To Top