National

જયપુર, કોલકાતા, ગોવા… દેશભરના અનેક એરપોર્ટને એક સાથે બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો (Election) ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે દેશના બે મોટા એરપોર્ટ (Airport) પર બોમ્બ મુકાયાની ધમકી મળી છે. સોમવારે એક ઈ-મેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જયપુર અને ગોવા એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ સમાચાર મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સોમવારે 29 એપ્રિલ 2024ના રોજ એક ઈ-મેલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જયપુર અને ગોવા સહિત અનેક એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા છે. આ માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તમામ એરપોર્ટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જયપુર એરપોર્ટ પર સમાચાર લખાયા સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

સોમવારે જયપુર એરપોર્ટ પર બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના એસએચઓ મોતી લાલે જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એરપોર્ટ સત્તાવાળાઓને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તેમણે કહ્યું કે 26 એપ્રિલે પણ આવી જ ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે મોકલનારને ઓળખવા અને તેને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

ગોવા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર બોમ્બ હોવાની જાણ થઈ હતી. એરપોર્ટ ડાયરેક્ટર એસવીટી ધનંજય રાવે જણાવ્યું હતું કે તેમની ઓફિસને સવારે એરપોર્ટ પર બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. અમે હવે વધારાની સાવચેતી રાખી રહ્યા છીએ. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર હાજર છે. અમે નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કામ કરી રહ્યા છીએ. અમે ઈમેલના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે દેશના અન્ય એરપોર્ટને પણ મળ્યો છે.

કોલકાતા એરપોર્ટ પર પણ બોમ્બની ધમકી મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોલકાતા એરપોર્ટ પર ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીને આ અંગેની માહિતી મળતાં જ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટની અંદર દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top