મોહાલી સ્ટેડિયમમાં ભારત (India) અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાઈ હતી. પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાન સામે 6 વિકેટે જીત (Win) મેળવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારતે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂરો કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શુભમન ગિલની ભૂલને કારણે શૂન્ય પર આઉટ થયો હતો.
મોહાલીમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારત તરફે શિવમ દુબેએ 40 બોલમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહ નવ બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
આ ઇનિંગ સાથે અફઘાનિસ્તાનની આ ટીમે પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત સામે પ્રથમ વખત ટી20 સીરીઝ રમી રહેલી અફઘાનિસ્તાનની ટીમે પહેલી જ મેચમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. બીજી તરફ 14 મહિના બાદ ટી-20 મેચ રમવા મેદાનમાં ઉતરેલો રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતે પ્રથમ ઓવરના બીજા બોલ પર મિડ ઓફ પર શોટ રમ્યો હતો. ત્યાં હાજર ફિલ્ડર તરફથી મિસફિલ્ડ થયો અને ત્યાં સુધીમાં રોહિત બીજા છેડે પહોંચી ગયો હતો. જોકે શુભમને ક્રિઝ છોડી ન હતી અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત રન આઉટ થયો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તે નાખુશ દેખાતો હતો અને શુભમન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
જણાવી દઈએ કે જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ટી20 સિરીઝ છે. બીજી તરફ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ શ્રેણી માટે T20 ટીમમાં પરત ફર્યા છે. વિરાટ અંગત કારણોસર પ્રથમ મેચ નથી રમી રહ્યો. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર છે.