માનવજીવનનો અંત નિશ્ચિત હોય છે, જન્મ સમયે શૂન્ય પાસું અને મૃત્યુ ટાણેય શૂન્ય જીવન વ્યવહારમાં ગણિત રહે છે. જ્ઞાનવિજ્ઞાન અને સંશોધનમાંયે ગણિતની અનિવાર્ય આવશ્યકતા રહે છે. ભારતીયો ગૌરવ અનુભવે છે કે ગણિતના પ્રારંભવાળા શૂન્યની શોધ ભારતે જ વિશ્વને ધરી છે. નામ તેનો નાશ કહેવાય, પણ શૂન્ય અવિનાશી છે, તેનો કોઇ ગુણાકાર કે ભાગાકાર થતો નથી. કોઇ બાદબાકી કે સરળતાથી તેને અસર થતી નથી. એટલે જ તો ગૌતમ બુધ્ધે શૂન્યતાને મુક્તિના દ્વાર તરીકે ઓળખાવી છે.
બધું નષ્ટ થઇ ગયા પછી પણ શેષ જોતાં શૂન્ય જ દેખાય છે. જીવનના અંત સમયે બધું બતાવી દીધા પછી શૂન્યવત્ અવસ્થા જન્મે છે અને સંસાર ત્યાગી વૈરાગીઓ પાસે કોઇ સંપત્તિ રહેતી નથી. આવક કે બચત શૂન્ય હોય છે ત્યારે તેવી વ્યક્તિ સૌથી સંપત્તિસંપન્ન અવસ્થા પ્રાપ્ત બની રહે છે. તેઓ જીવન અને જગતમાં દર્શન માટે જાણે શૂન્યમનસ્ક બની જાય છે. દાર્શનિક કવિઓ શૂન્યતાને અભાવની ખાળીયાની અને અસ્તિત્વની મધુર કવિતા લેખે છે. તેઓ ટોળામાંયે શૂન્યતા અનુભવે છે. ગગનમાં અકળ શૂન્યતા જુએ છે. ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટે શૂન્યની શોધ કરીને પ્રચલિત કરી. એકથી નવના અંકોમાં ગણિતથી માયાજાળ હોય છે.
શૂન્ય આગળ પાછળ થવાથી ગેરહાજર રહેવાથી સંખ્યાના કદમાં 10ના ગુણાંકમાં વધઘટ થઇ જાય છે. કશું નથી દર્શાવવા શૂન્ય મૂકાય છે. એક રીતે તે તત્ત્વજ્ઞાનની નિપજ બની રહે છે. માનવસમાજમાં લાગણીશૂન્ય વિચારશૂન્ય જેવા શબ્દો પ્રયોગ દ્વારા જે તે વ્યક્તિની નોંધ લેવાય છે. દેહાંત પામેલી વ્યક્તિ માટે અંગ્રેજીમાં ઉલ્લેખ થાય છે કે હી ઇઝ નો મોર એમાં શૂન્યતા પ્રગટે છે. કાંઇ જ ન હોવાની ભવ્યતા માટે શૂન્ય થઇ જવું પડે. ખાલી હાથે આવેલો કર્મવીર ઘણા સમય પરિશ્રમ અને સૂઝબૂઝથી સાધનસંપન્ન બને ત્યારે કહી શકાય કે તેના સુખી જીવન માટે તેણે શૂન્યમાંથી સર્જન કરી જાહોજલાલી ઊભી કરી છે. બ્રહ્માંડોની ઉત્પત્તિ અને વિલયનું સત્ય તારણ પણ શૂન્યમાં જ રહે છે. અસ્તિત્વ અને શૂન્યતા સૃષ્ટિના બે છેડા છે. બ્રહ્માંડના બ્લેક હોલ્સ શૂન્યની જ એક આવૃત્તિ લાગે છે. તમામ બ્રહ્માંડો અને પ્રકૃતિમાં પ્રસરે છે અવિનાશી શૂન્ય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.