નવી દિલ્હીઃ (New Delhi) ICC T20 વર્લ્ડ કપ 2022માં ભારત (India) સામેની હાર બાદ પાકિસ્તાનના (Pakistan) ડ્રેસિંગ રૂમમાં શોકનો માહોલ છવાયો હતો. ટીમ પાકિસ્તાન નિરાશામાં માથું નમાવીને બેસી ગઈ હતી. હાર બાદ જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં (Dressing Room) પહોંચ્યા ત્યારે મેન્ટર મેથ્યુ હેડને તેમને પ્રોત્સાહિત કરવા માટે સૌથી પહેલા સ્પીચ આપી હતી. ત્યાર બાદ તેણે કેપ્ટનને બાબર આઝમને (Babar Azam) સંબોધવા કહ્યું. બાબર ઉભા થયા અને નિરાશ ખેલાડીઓને (Players) ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા.
- T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં શોકનો માહોલ
- મેન્ટર મેથ્યુ હેડને તેમને પ્રોત્સાહિત કરવા માટે સૌથી પહેલા સ્પીચ આપી હતી
- કેપ્ટન બાબરે નિરાશ ખેલાડીઓને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા
- બાબરે કહ્યું, ‘ટૂર્નામેન્ટ હમણાં જ શરૂ થઈ છે. મોટી મેચો હજુ આવવાની બાકી છે. તેથી કોઈ નિરાશ થશે નહીં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બાબર આઝમે મેચ બાદ કહ્યું ‘ખૂબ સારી મેચ, આપણે ખૂબ સારા પ્રયાસ કર્યા પરંતુ કેટલીક ભૂલો થઈ. આપણે તેની પરથી વધુ શીખીશું. આપણે પડવાનું નથી. આપણે કોઈ એક ખેલાડીના કારણે મેચ હાર્યા નથી. આપણે આખી ટીમ હારી છે. હારીશું તો પણ આખી ટીમ હારશે અને જીતીશું તો પણ આખી ટીમ જીતશે. કોઈ કોઈને કહેશે નહીં કે તેણે પરાજય અપાવ્યો છે. આપણે સાથે રહેવાનું છે.’
બાબરે કહ્યું, ‘ટૂર્નામેન્ટ હમણાં જ શરૂ થઈ છે. મોટી મેચો હજુ આવવાની બાકી છે. તેથી કોઈ નિરાશ થશે નહીં. આજની મેચમાં પણ આપણે સારું રમ્યા. આપણે તેના વિશે વિચારવું પડશે. ભૂલો થઈ છે પરંતુ અમે તેના પર કામ કરીશું અને તેને ઠીક કરીશું. બાબર આઝમે ઈનિંગની છેલ્લી ઓવર ફેંકનાર મોહમ્મદ નવાઝને પણ પ્રોત્સાહિત કર્યા છે. તેણે કહ્યું, ‘નવાઝ તમે મારા મેચ વિનર છો. કોઇ વાંધો નહી. મને તારા પર વિશ્વાસ છે. તે ખૂબ જ સારો પ્રયાસ હતો અને મેચને નજીક લાવી હતી. જે પણ નિરાશા છે, તેને અહીં છોડી દેવી પડશે.
મેચમાં શું થયું
T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતા જોરદાર બોલિંગની શરૂઆત કરી અને ઓપનર બેટ્સમેન બાબર અને મોહમ્મદ રિઝવાનને સસ્તામાં પેવેલિયન મોકલી દીધા. જોકે શાન મસૂદ અને ઈફ્તિખારની અડધી સદીની મદદથી પાકિસ્તાને 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા.
જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ નિરાશાજનક રહી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે વહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે મજબૂત ભાગીદારી થઈ હતી. ભારતે આ મેચ ચાર વિકેટે જીતીને ટુર્નામેન્ટમાં જીત સાથે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી.