કોલંબો: (Colombo) ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રવિવારે પૂર્ણ થઈ શકી ન હતી. હવે આ મેચ આવતીકાલે એટલે કે રિઝર્વ ડે પર રમાશે. ટીમ ઈન્ડિયાનો સ્કોર અત્યારે 2 વિકેટે 147 રન છે. વિરાટ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન સાથે રમી રહ્યા છે.
આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India Pakistan) વચ્ચે સુપર-ફોર મેચ રમાઈ હતી. આ મેચ પર પણ વરસાદનો (Rain) પડછાયો છવાયેલો છે. આ પહેલા બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની પહેલી મેચ અનિર્ણિત રહી હતી. રવિવારે પણ વરસાદ પડવાને કારણે બંને ટીમો વચ્ચે સ્પર્ધા થઈ શકી ન હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
એશિયા કપ 2023ના સુપર-4માં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બીજી ઓવરના પહેલા જ બોલ પર ભારતને ફટકો પડ્યો હોત પરંતુ શાહીન શાહ આફ્રિદીએ નસીમ શાહના બોલ પર શુભમન ગિલનો કેચ છોડ્યો હતો. ગિલ અહીં ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યો હતો. આ પછી રોહિત અને ગિલે ભારતને સ્કોર 100ની ઉપર પહોંચાડી દીધો હતો. બંને ખેલાડીઓએ અર્ધ શતક બનાવ્યા હતા.
15 ઓવર પછી ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 115 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીની 50મી અડધી સદી ફટકારી હતી. તેણે શાદાબ ખાનના બોલ પર છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની સતત બીજી અડધી સદી હતી. આ પહેલા તેણે નેપાળ સામે અણનમ 74 રન બનાવ્યા હતા. રોહિત 49 બોલમાં 56 રન અને શુભમન ગિલ 52 બોલમાં 58 રન બનાવી આઉટ થયા હતા.
ભારતીય ટીમની પ્રથમ વિકેટ 121 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. શાદાબ ખાને તેને ફહીમ અશરફના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. હવે વિરાટ કોહલી શુભમન ગિલ સાથે ક્રિઝ પર ઉતર્યા હતા. 17 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 122 રન હતો. રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ થયા હતા. શાહીન આફ્રિદીએ તેને આગા સલમાનના હાથે કેચ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલી સાથે લોકેશ રાહુલ ક્રિઝ પર પગ જમાવ્યા હતા. 24 ઓવરમાં ભારતે 2 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. 24 ઓવરને અંતે વરસાદ વરસતા મેચ રોકાઈ ગઈ હતી.