Sports

IND vs NZ: ન્યુઝીલેન્ડે ભારતને 274 રનનો ટાર્ગેટ આપ્યો, મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી

ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ધર્મશાલાના મેદાન (Ground) પર રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 274 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇંડિયાએ છેલ્લા બોલ પર વિકેટ લઈ ન્યૂઝીલેન્ડની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફે ડેરિલ મિશેલે 130 રન બનાવ્યા હતા. જ્યારે રચીન રવિન્દ્રએ 75 રન બનાવ્યા હતા. બંનેની જોડી ટીમને એક સારા સ્કોર તરફ લઈ ગઈ હતી.

આ પહેલાં ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના પ્રથમ બોલમાં જ ટીમ ઇન્ડિયાને સફળતા મળી હતી. મોહમ્મદ શમી ચાર મેચ સુધી બહાર રહ્યા બાદ આજે ન્યુઝીલેન્ડ સામે પરત ફર્યો હતો. તેણે પહેલા જ બોલ પર વિકેટ લઈને પરત ફરવાની ઉજવણી કરી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પાવર પ્લેમાં 10 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેને કારણે તેની ઉપર ભારતીય બોલરોનો દબાવ વધ્યો હતો. 25 ઓવરને અંતે ન્યૂઝીલેન્ડએ 120 રન બનાવ્યા હતા. બે વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્ર અને ડેરિલ મિશેલે ઇનિંગ સંભાળી 100 પ્લસ રનની ભાગીદારી કરી હતી. રચિન રવીન્દ્રએ પોતાના કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી.

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધર્મશાલામાં ટીમ ઇંડિયા કીવી સામે ટકરાઈ હતી. ભારતીય ટીમ બે ફેરફાર સાથે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આવું કરવું પડ્યું હતું. શાર્દુલ ઠાકુરે ટીમ કોમ્બિનેશનને ઠીક કરવા માટે પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર થવું પડ્યું હતું. મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ-11માં રાખવામાં આવ્યા હતા.

મોહમ્મદ શમીએ પોતાની પહેલી ઓવરના પહેલાં જ બોલે વિકેટ લીધી હતી. તેણે વિલ યંગને બોલ્ડ કર્યો હતો. ડેવોન કોનવે ઝીરો પર આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ શમીને તેની બીજી ઓવરમાં પણ વિકેટ લેવાની તક મળી હતી. રચીન રવિન્દ્રએ પોઈન્ટ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાના હાથમાં બોલ રમ્યો હતો. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક જાડેજાએ એક આસાન કેચ છોડ્યો હતો. જો તેણે કેચ પકડ્યો હોત તો શમીને સતત બે ઓવરમાં બે વિકેટ મળી હોત.

ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં છે. ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલ પર ભારતીય ટીમ બીજા સ્થાને છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ તેની તમામ મેચ જીતી લીધી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

Most Popular

To Top