ભારત અને બાંગ્લાદેશ (India And Bangladesh) વચ્ચે વનડે વર્લ્ડ કપની (World Cup) મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડી (Player) ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડીની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ઈજાના કારણે આ ખેલાડીએ મેચની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો.
વર્લ્ડ કપની 17મી મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ટીમ ઈન્ડિયાને નવમી ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને તરત જ સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. અત્યારે મેડિકલ ટીમ તેની ઈજા અંગે નિદાન કરી રહી છે ત્યાર બાદ જ ખબર પડશે કે તે કેટલી ગંભીર છે.
બાંગ્લાદેશની ઇનિંગ્સની નવમી ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે ફ્રન્ટ શોટ રમ્યો હતો. હાર્દિકે પોતાના પગથી શોટ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેના પગમાં ઇજા થઈ હતી. મેડિકલ ટીમે મેદાનમાં જ હાર્દિકની સારવાર કરી હતી. તે બોલિંગ કરવા પણ ઉભો થયો હતો પરંતુ દોડી શક્યો ન હતો. ત્યારબાદ હાર્દિકને બહાર જવું પડ્યું હતું. તેની જગ્યાએ વિરાટ કોહલીએ ઓવર પૂરી કરી હતી. બીસીસીઆઈએ કહ્યું કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.
હાર્દિકે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દોડવા સક્ષમ ન હતો. કેપ્ટન રોહિત શર્માએ અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરી હતી. બંનેએ જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું. કોહલી અને રોહિતે હાર્દિક સાથે વાત કરી અને તેને મેદાન છોડવા કહ્યું હતું. હાર્દિકે બોલિંગની જીદ છોડી દીધી અને મેડિકલ ટીમ સાથે બહાર ચાલ્યો ગયો હતો.
બીસીસીઆઈએ અપડેટ આપ્યું
બીસીસીઆઈએ પણ હાર્દિક પંડ્યાની ઈજાને લઈને અપડેટ આપ્યું છે. તેના સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા બીસીસીઆઈએ કહ્યું છે કે હાર્દિકની ઈજાનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેને સ્કેનિંગ માટે પણ મોકલવામાં આવ્યો છે. હાર્દિકની ઈજા ટીમ ઈન્ડિયા અને ચાહકો માટે મોટી ચિંતાનો વિષય છે. બોલિંગની સાથે હાર્દિક મિડલ ઓર્ડરમાં બેટિંગમાં પણ તાકાત આપે છે. જે ટીમ ઈન્ડિયા માટે મોટો ફાયદો છે. આ મેચમાં હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ રોહિત શર્માએ ઓવરના બાકીના ચાર બોલ વિરાટ કોહલી પાસેથી નંખાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.