કોરોના મહામારીના કપરા કાળથી આર્થિક રીતે નબળા વર્ગો માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત મફત અનાજ લેનારાંઓની સંખ્યા સતત વધી રહી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં ગરીબી વધી રહી છે. શું આને ગુજરાત સરકારની સિદ્ધિ કહી શકાય? સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે તો બીજાં રાજ્યોમાં તો કદાચ ગરીબીની ચરમસીમા હશે એવી ધારણા છે.
ગુજરાતની કુલ વસ્તીના 50 % કરતાં વધુ લોકો મફત કે રાહત દરનું અનાજ ખાઈ રહ્યાં છે. કોરોના કાળમાં પ્રારંભ થયેલ સીલસીલો ક્યાં જઈને અટકશે? મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી જેવી સમસ્યાઓ વિકરાળ બનતી જાય છે. વાસ્તવિક ચિત્ર તો એવું ઉપસી રહ્યું છે કે પૈસાદાર વધુ ધનવાન બનતો જાય છે અને ગરીબ વધુ ને વધુ બિચારો બનતો જાય છે.
ગરીબ પરિવારોની સંખ્યા વધતી જતી હોય ત્યારે આપણે આપણા ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાત કે સમૃદ્ધ ગુજરાત કહેવાની સ્થિતિમાં છીએ ખરાં? કોરોનાની મહામારીમાં આ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ કે વરદાનરૂપ સાબિત થઈ હતી પરંતુ હવે આ યોજનાનું ફરીથી જમીની લેવલે પુનઃમૂલ્યાંકન થવું જોઈએ. ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટર અને પુરવઠા અધિકારીઓ દ્વારા આ યોજનાની સમીક્ષા કરીને સરકાર સમક્ષ સાચું ચિત્ર રજૂ કરવું જોઈએ. સાચી વાત તો એ છે કે ગરીબોને મફત અનાજને બદલે રોજગાર સર્જન પર વધુ ધ્યાન અપાવું જોઈએ.
નવસારી – ડૉ. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે