સુરત: લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણા થતાંની સાથે જ સુરતમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે. આજે વહેલી સવારથી સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઈંગ-પ્રોસેસિંગ મિલ સહિત ત્રણ ધંધાર્થીના 12થી વધુ ઠેકાણા પર સાગમટે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાંબા સમયથી સુરત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સુષુપ્ત અવસ્થામાં હતું. કોઈ પણ પ્રકારની તપાસ, દરોડા કાર્યવાહી થઈ રહી નહોતી. ઈલેક્શનમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ બે જ દિવસમાં આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરતાં શહેરના ઉદ્યોગ જગતમાં ડર વ્યાપી ગયો છે. લાંબા સમયથી આવકવેરા વિભાગ તૈયારી કરીને બેઠું હોય તો જ આ રીતે એક સાથે દરોડા પાડે તે વાતમાં કોઈ શંકા નથી. કોઈ ચોક્કસ ટીપ્સના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ઉઠી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાઈંગમાં દરોડા પાડ્યા છે. રમેશચંદ્ર મોદીની માલિકીની આ મિલ છે. ઐશ્વર્યા ગ્રુપના તમામ વ્યવસાયો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ સકંજામાં લેવામાં આવ્યો છે, તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામીકના વેપારીને પણ આવકવેરા અધિકારીઓએ ઝપેટમાં લઈ લીધો છે. આ ઉપરાંત એક ઈવેન્ટ મેનેજર પણ સપડાયો હોવાનું જાણવા મળ્યું છે. 12થી વધુ ઠેકાણે સાગમટે તપાસ ચાલી રહી છે. અંદાજે 50થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.