સુરત: સુરત આવકવેરા વિભાગ (Surat Income Tax) દ્વારા લાંબા સમય બાદ શહેરમાં દરોડાની (Raid) કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના મોટા ગજાના બિલ્ડર (Builder) અને ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ (Sangini Builders) પર રેઈડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. આ ઉપરાંત અરિહંત, અમોરા ગ્રુપ, મહેન્દ્રભાઈ ફાઈનાન્સર અને કિરણ સંઘવીને ત્યાં પણ દરોડા પડ્યા છે. એક સાથે 27 ઠેકાણા પર તપાસ ચલાવવામાં આવી રહી છે. સંગિની ગ્રુપ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ (Real Estate) સાથે સંકળાયેલા મોટા ગજાના દલાલોને પણ સર્ચ ઓપરેશનમાં (Search Operation) આવરી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ (Directorate of investigation wing ) દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બદલી પામીને સુરત આવેલા નવા કમિશનર કેયૂર પટેલની આગેવાની અને માર્ગદર્શનમાં 125થી વધુ અધિકારીઓનો કાફલો 27 જેટલા સ્થળે સાગમટે તપાસ કરી રહ્યાં છે. આ વખતે ડીઆઈ વિંગ દ્વારા બિલ્ડર ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત એક મોટા ગજાના દલાલનું નામ પણ સંભળાઈ રહ્યું છે. કુલ 27 ઠેકાણે તપાસ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે નોટબંધી બાદની મંદી છતાં સંગિની ગ્રુપ દ્વારા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે નિયમિતપણે કોઈ પણ વિવાદમાં આવ્યા વિના સારું કામ કરવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેઓએ સારા એવા પ્રોજેક્ટ વેસૂ, અડાજણ, ગૌરવપથ, જહાંગીરપુરા, વીઆઈપી રોડ પર મુક્યા છે. તેનું નિર્માણકાર્ય પણ નિયમિતપણે ચાલતું આવ્યું છે. હાલમાં સંગિની ગ્રુપના સંગિની ટેરેઝા, સ્વરાજ, વેદાન્તા, ઈવોક, એરાઈઝ, સિદ્ધાન્તા, સાકાર સહિતના 7 પ્રોજેક્ટ અંડરકન્સ્ટ્રક્શન છે. આ ઉપરાંત એમોરા ગ્રુપ દ્વારા વીઆર મોલની બાજુમાં એક ભવ્ય બેન્કવેટ હોલ બનાવવામાં આવ્યો છે. તે સિવાય અરિહંત ગ્રુપનું નામ સંભળાય છે. મહેન્દ્ર ફાયનાન્સર બિલ્ડરોમાં સારું કામકાજ ધરાવે છે.