નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મના પહેલાં સામાન્ય બજેટમાં ખૂબ મોટી રાહત જાહેર કરાઈ છે. અપેક્ષા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ક્મ ટેક્સનો નવો સ્લેબ જાહેર કર્યો છે. નવા ટેક્સ સ્લેબ અનુસાર હવે વાર્ષિક આવક 3 લાખ હોઈ તો ઈન્કમટેક્સ ભરવાનો રહેશે નહીં.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે.
જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
આ ઉપરાંત નાણામંત્રી સીતારમણે બજેટમાં જાહેરાત કરતી વખતે TDSમાં છૂટ આપી છે. નાણામંત્રીએ કહ્યું કે હવે TDS ભરવામાં વિલંબ પર કોઈ ફોજદારી કાર્યવાહી થશે નહીં.
નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે મધ્યમ વર્ગને મૂડી લાભમાં મુક્તિ મળશે. સ્ટાર્ટઅપ્સને મોટી રાહત મળી છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. નાણાકીય અને બિન નાણાકીય અસ્કયામતો પર લાંબા ગાળાનો મૂડી લાભ 10% થી વધીને 12.5% થયો છે.
ભારતની અર્થવ્યવસ્થાનો સારો વિકાસ થઈ રહ્યો છેઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ‘ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, જે 4%ના લક્ષ્ય તરફ છે. નાણામંત્રીએ કહ્યું છે કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે.