સુરત આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આજે તા. 28 જાન્યુઆરીની વહેલી સવારે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ પર દરોડા કાર્યવાહી કરવામાં આવતા ઉદ્યોગજગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેન્દ્રીય બજેટ જાહેર થવાના ગણતરીના દિવસો પહેલાં આવકવેરા વિભાગની કાર્યવાહીને પગલે ઉદ્યોગજગતમાં સોંપો પડી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંત ગજેરા તથા તેમની સાથે વિવિધ ઉદ્યોગમાં સંકળાયેલા 30 જેટલાં બિઝનેસમેન, બ્રોકરો પર દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરા, ચુની ગજેરા સહિત તેમના સંબંધીઓ, વકીલો, વ્યવસાયિક કે અંગત સંપર્ક ધરાવનારા અંદાજે 30 જેટલાં લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે. મુંબઈ, સુરત સહિત લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરાના અનેક ઠેકાણાઓ પર સાગમટે તપાસ હાથ ધરાઈ છે.
અધિકારીઓના મોટો કાફલો તપાસ કાર્યવાહીમાં જોતરાયો છે. રેસિડેન્શિયલ, બિઝનેસને લગતા તમામ ઓફિસ-ઘર પર તપાસ ચાલી રહી છે. લક્ષ્મી ડાયમંડના પ્રોજેક્ટ્સને પણ વરુણીમાં લઈ લેવાયા છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વસંતભાઈ ગજેરાની માલિકીના આ ગ્રુપ સાથે સંકળાયેલી સુરત અને મુંબઈની ઓફિસો તેમજ નિવાસસ્થાનો સહિત ડઝનથી વધુ સ્થળોએ IT અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં હીરાના વેપાર સાથે જોડાયેલા નાણાકીય દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને સ્ટોકની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે ટેક્સ ચોરી અને હિસાબી ચોપડે ન નોંધાયેલા મોટા પાયે નાણાકીય વ્યવહારોની બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાને પગલે સુરતના હીરા બજારના અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.