Gujarat

ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરા પર ITના દરોડાઃ રાજ્યમાં 24 ઠેકાણે તપાસ

રાજકીય દાનના બહાને બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવાતા હોવાની આશંકાને પગલે આવકવેરા વિભાગ દ્વારા ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરા પર દરોડા કાર્યવાહી હાથ ધરાઈ છે. સંજય ગજેરાના ઘર અને ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરાની ટીમ ત્રાટકી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં 24 ઠેકાણે તપાસ ચાલી રહી છે.

આઈટીની એક ટીમ ગાંધીનગરના સેક્ટર 26 કિસાનનગર ખાતે સંજય ગજેરાના ઘરે સર્ચ કરી રહી છે. અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ખાતે ઓફિસ અને ગજેરાના ડ્રાઈવરના ગ્રીનસિટી સ્થિત ઘરે પણ તપાસ કરી રહી છે. આઈટીની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે.

અમદાવાદમાં 12થી વધુ ઠેકાણે આઈટીની તપાસ ચાલી રહી છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના આઈટીના અધિકારીઓ સામેલ છે. કરોડોની ટેક્સ ચોરી ઝડપાય તેવી અધિકારીઓને આશા છે.

સૂત્રોએ કહ્યું કે, ચેકથી રાજકીય દાનના નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપી રોકડ પરત કરી ટેક્સ ચોરી કરાતી હોવાની આશંકા છે. અગાઉ રાજકીય પાર્ટીઓને દાન આપનારાઓ સામે આઈટીએ તપાસ કરી હતી હવે દાન લેનારા રાજકીય પક્ષો પર સકંજો કસવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્ર, જુનાગઢમાં પણ તપાસ ચાલી રહી છે. જોકે, વિભાગ તરફથી કોઈ અધિકૃત માહિતી જાહેર કરાઈ નથી. આવકવેરા વિભાગની આ કાર્યવાહીને પગલે રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું કે સંજય ગજેરાના ઘર ઓફિસ ઉપરાંત તેના ડ્રાઈવરના ઘરે પણ તપાસ ચાલી રહી છે. ડ્રાઈવર રોનકસિંહના મોબાઈલમાંથી કેટલાક મહત્ત્વના પુરાવા આઈટીને મળી આવ્યા છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે.

કોણ છે સંજય ગજેરા?
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા છે સંજય વિઠ્ઠલ ગજેરા. આ પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરાનો તે પુત્ર છે. કોરોનામાં વિઠ્ઠલ ગજેરાના મૃત્યુ બાદ પાર્ટીનું સંચાલન સંજય ગજેરાએ સંભાળ્યું હતું. સંજયે 2022માં ગુજરાત વિધાનસભા અને 2024માં લોકસભાની ચૂંટણી લડી હતી. તેની પાર્ટીના કુલ 8 ઉમેદવારને 11,496 મત મળ્યા હતા. તેની સામે પાર્ટીને 957 કરોડનું દાન મળ્યું હતું.

કહેવાય છે કે સંજય ગજેરા પાસે એક સમયે ફ્રન્ટી કાર ખરીદવાના રૂપિયા નહોતા પરંતુ તાજેતરમાં જ તેણે લક્ઝુરીયસ કાર અને હાર્લી ડેવિસનની બાઈક ખીદી છે.

Most Popular

To Top