અમેરિકામાં રવિવારે એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં અમેરિકાના ઘણા બધા વિસ્તારો અડફેટે આવી ગયા છે તો બીજી બાજુ બ્રિટનમાં પણ સખત ઠંડી અને શિયાળુ તોફાન ત્રાટકી ચુક્યું છે. જર્મની સહિત અને યુરોપિયન દેશો તો સખત ઠંડી અને ભારે બરફ વર્ષાનો ભોગ બની જ ચુક્યા છે ત્યારે રશિયાના પશ્ચિમ ભાગમાં પણ આધુનિક સમયમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી બરફ વર્ષા થઇ છે. આમ તો રશિયા યુરોપમાં પૂર્વના ભાગમાં છે પરંતુ ત્યાં આ વખતે અસાધારણ રીતે સખત બરફ વર્ષા થઇ છે. રશિયાની રાજધાની મોસ્કોમાં તો જાણે બરફના ઢગલાં લાગી ગયા છે.
આ શિયાળામાં અગાઉ પણ વિવિધ શિયાળુ તોફાનોનો ભોગ બનેલા અમેરિકાએ કોરોનાની હેરાનગતિ વચ્ચે ફરીથી શિયાળુ તોફાનનો ભોગ બનવાનો વખત આવ્યો છે. અમેરિકામાં ફરીથી એક શિયાળુ તોફાન ત્રાટક્યું છે અને આ વખતે તેનો વ્યાપ ઘણો વધારે છે જેમાં મિડવેસ્ટથી માંડીને છેક દૂર દક્ષિણના વિસ્તારો તેની અડફેટે આવી ગયા છે અને દક્ષિણી રાજ્ય ટેક્સાસમાં તો કટોકટી જાહેર કરવી પડી છે.
રવિવારથી શરૂ થયેલા આ શિયાળુ તોફાને અમેરિકાના ઘણા મોટા વિસ્તારમાં બરફની ચાદર પાથરી દીધી છે. ભારે બરફવર્ષા અને અત્યંત નીચા તાપમાનને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઇ ગયું હતું અને સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે ઓકલોહોમા નજીક લપસણા માર્ગ પર અનેક વાહનો એકબીજા સાથે ભટકાઇ પડ્યા હતા જેમાં કેટલાક વાહનોને તો આગ પણ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઇજા પામ્યા હતા.
અધિકારીઓએ જો કે કેટલા લોકો ઇજા પામ્યા અને કેટલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેની વિગતો આપી ન હતી. બરફના તોફાનને કારણે ટેકસાસમાં તો સ્થિતિ એટલી હદ બગડી ગઇ હતી કે પ્રમુખ જો બિડેને પોતે આ રાજ્યમાં કટોકટી જાહેર કરી હતી અને ખાસ સહાયની જાહેરાત કરી હતી.
તોફાની પવનો અને સખત બરફ વર્ષા વચ્ચે અહીં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ બની હતી. અનેક પાવર ગ્રીડ વીજ પુરવઠો ફરી બહાલ કરવા પ્રયાસો કરી રહ્યા હતા પણ સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સવારે ટેક્સાસના એક મોટા ભાગમાં અંધારપટ છવાઇ ગયો હતો અને ૨૩ લાખ લોકો વીજળી વિહોણા બની ગયા હતા.
આ શિયાળુ તોફાનને કારણે અમેરિકાભરમાં સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવી પડી હતી અને માર્ગ વાહનવ્યવહારને પણ વ્યાપક અસર થઇ હતી. ઠેર ઠેરથી માર્ગ અકસ્માતોના અહેવાલ મળ્યા હતા. એક અહેવાલ મુજબ ૧૨૦ જેટલા અકસ્માતો આ તોફાનને કારણે થયા છે.
અમેરિકાભરમાં ૨૦ કરોડ જેટલા લોકોને આ તોફાનથી અસર થઇ છે અને હજી તો હવામાન સેવાએ અનેક વિસ્તારોમાં ૮થી ૧૨ ઇંચ જેટલો બરફ પડવાની આગાહી કરી છે. આ અહેવાલો દર્શાવે છે કે કેટલા ભયંકર શિયાળાનો અમેરિકા સામનો કરી રહ્યું છે.
એક તરફ ગ્લોબલ વૉર્મિંગની બૂમાબૂમ છે, ભારત જેવા દેશોમાં આ વખતે ઠંડી નોંધપાત્ર વધવા છતાં શિયાળો એકંદરે ગરમ રહ્યો હોવાનું કહેવાય છે, બીજી તરફ પશ્ચિમિ અને ખાસ કરીને ઉત્તર ગોળાર્ધ નજીકના દેશો સખત શિયાળાનો સામનો કરી રહ્યા છે. આ બધી હવામાન પરિવર્તનની મોંકાણ જણાય છે.
પ્રદૂષણ આમાં મોટો હિસ્સો ભજવતો હોવાનું કહેવાય છે. જો કે સદીઓ પહેલા જ્યારે પ્રદૂષણ નહીંવત હતું ત્યારે પણ હવામાનમાં ઉથલ પાથલ તો થઇ જ હતી. જો કે હાલનું હવામાન પરિવર્તન પ્રદૂષણને વધુ આભારી હોવાનું નિષ્ણાતોને જણાય છે. એ જે હોય તે, પરંતુ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ આ વખતે ભારે સખત શિયાળો વેઠવાનો આવ્યો છે તે સ્પષ્ટ છે.
એક તરફ પશ્ચિમી દેશોમાં સખત ઠંડી અને ભારે બરફ વર્ષા છે તો એશિયાના ઉત્તર ધ્રુવમાં આવેલા ઘણા દેશોમાં ઉત્તર ધ્રુવમાં શિયાળા છતાં ગરમી અનુભવાઇ રહી છે. બીજી બાજુ સહરાના રણપ્રદેશ અને સાઉદી અરેબિયાના એક રણ વિસ્તારમાં પણ આ વખતે આશ્ચર્ય જનક રીતે બરફ પડ્યો છે. આમ આખા વિશ્વમાં હવામાન વિચિત્ર સ્થિતિ દર્શાવે છે.
આપણે અગાઉ જ જોયું તેમ પાકૃતિક પરિબળો પણ હવામાન પરિવર્તન માટે જવાબદાર હોઇ શકે છે પણ હાલ તો નિષ્ણાતો આ હવામાન પરિવર્તન માટે પ્રદૂષણને જ ખલનાયક માની રહ્યા છે ત્યારે આખા વિશ્વે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે કમર કસવી રહી એમ જણાય છે.