Columns

કોવેક્સિન રસીની ક્લિનિકલ ટ્રાયલમાં મોટું બખડજંતર ચાલે છે

ભારતમાં બનેલી હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીની કોરોના સામેની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ અત્યારે ચાલુ છે. આ અખતરામાં કેવી ગોબાચારી ચાલે છે એનો ઘટસ્ફોટ તાજેતરમાં ધી ક્વિન્ટ નામની ન્યૂઝ વેબસાઈટે કર્યો છે. ધી ક્વિન્ટની પ્રિયંકા પુલા નામની રિપોર્ટરે ભોપાલની હૉસ્પિટલમાં ચાલતા રસીના અખતરામાં થઈ રહેલી ગરબડને બહાર પાડી છે. 

ભોપાલની પીપલ્સ હૉસ્પિટલમાં અગાઉ પણ આ રસીના અખતરા થયા હતા અને ત્યારે પણ ધી ક્વિન્ટે અખતરામાં ચાલતા બખડજંતરની પોલ ખુલ્લી પાડેલી. રસીના ત્રીજા તબક્કાના અખતરામાં ભોપાલની પીપલ્સ હૉસ્પિટલે ન્યુ ડ્રગ ઍન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ, ૨૦૧૯ નો ભંગ કર્યો છે અને અખતરા એવી રીતે કર્યા છે કે અખતરાનાં તમામ પરિણામો બિનભરોસાપાત્ર બની જાય છે.

કોવેક્સિન રસી ભારત બાયોટેક નામની દેશી કંપની બનાવી રહી છે. કંપની અખતરા માટે ભોપાલની હૉસ્પિટલ સહિત ૨૬ હૉસ્પિટલની પસંદગી કરી હતી. અખતરામાં ભાગ લેવા ૧,૭૦૦ થી વધુ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. અખતરામાં જે બખડજંતર ચાલી રહ્યું છે એને કારણે કોવેક્સિન રસીની અસરકારકતા અને સલામતી સામે પણ પ્રશ્ન નિર્માણ થયા છે.

ભોપાલની હૉસ્પિટલમાં જે લોકોએ રસીના અખતરામાં ભાગ લીધો હતો એમને રસી આપવામાં આવ્યા બાદ એમનામાં બીમારીનાં કયાં કયાં લક્ષણો દેખાયાં એની કોઈ નોંધ પણ કરવામાં આવી નહોતી. આ અખતરાના બે સ્પૉન્સર હતા: રસી બનાવનારી ભારત બાયોટેક કંપની અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર). એ બન્નેને આ વિશે પૂછવામાં આવતાં એમણે આવું કશું બન્યું ન હોવાનું કહી દીધું હતું.

બન્નેનું કહેવું હતું કે અખતરા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ જે ધારાધોરણ અને પ્રોસિજર નક્કી કર્યાં છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે,  પરંતુ સ્થળ પરની તપાસમાં કંઈક અલગ જ હકીકતો બહાર આવી છે.

હૉસ્પિટલની બેદરકારીનું એક ઉદાહરણ. ૭૦ વર્ષના બાંધકામ મજૂર માનસિંહ પરિહારે પણ રસીના અખતરામાં ભાગ લીધો હતો. માનસિંહ પરિહારનો પરિવાર ભોપાલ ગૅસ ટ્રેજેડી દુર્ઘટનામાં માંડ માંડ બચ્યો હતો. રસી બાદ એને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એનામાં કોરોનાનાં લક્ષણો દેખાયાં એ બાદ એ હૉસ્પિટલમાં ગયો હતો. પીપલ્સ હૉસ્પિટલમાંથી તો કોઈએ એને ફોન કરવાની તસ્દી પણ ન લીધી.

એને લખતાં કે વાંચતાં આવડતું ન હોવાથી એ ડાયરીમાં કંઈ ટપકાવી પણ શક્યો નહોતો. અખતરામાં કોઈને રસી આપ્યા બાદ શરૂઆતના ૨૪ કલાક મહત્ત્વના હોય છે. જે તે વ્યક્તિમાં આ ગાળામાં જે જે બીમારીનાં લક્ષણ દેખાય એ એમણે નોંધવાનાં હોય છે. શું માત્ર માનસિંહ પરિહાર હૉસ્પિટલની નજરમાંથી છટકી ગયો હતો કે પછી અખતરામાં ભાગ લેનારા ૧૭૦૦ થી વધુ લોકોનો ડેટા સ્ટડી ટીમે આવી બેદરકારીથી ભેગો કર્યો હશે?

રુચિરા ધિંગ્રા નામની એક ઍક્ટિવિસ્ટે પણ રસીના આ અખતરા વિશે તપાસ કરી હતી. રુચિરાએ અખતરામાં રસી લેનારાં એવાં ૨૨૩ લોકોને ઓળખી કાઢ્યાં હતાં, જેમની સાથે ધારાધોરણનો ભંગ થયો હતો. રુચિરાએ જીતેન્દ્ર નરવારિયાનો કેસ ટાંક્યો હતો. જીતેન્દ્ર નરવારિયા રસી લીધા બાદ માંદા પડ્યા હતા અને એમની સારવાર મફતમાં કરવાને બદલે એમને સ્વખર્ચે સારવાર કરાવવી પડી હતી. અખતરા દરમિયાન દીપક મારાવી નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પીપલ્સ હૉસ્પિટલે આ ઘટનાની તપાસ કરી હતી અને એમાં ચોંકાવનારી વાતો બહાર આવી હતી.

અખતરામાં કોઈનું  મૃત્યુ થાય તો એવા પ્રકરણમાં હૉસ્પિટલ માટે ઊંડાણથી તપાસ કરવી જરૂરી હોય છે. પીપલ્સ હૉસ્પિટલે તપાસમાં એમ કહ્યું હતું કે દીપક મારાવીનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું અને એના મોતને રસીના ડોઝ સાથે કોઈ સંબંધ નથી. હૉસ્પિટલનું એવું કહેવું હતું કે રસી બાદ અમે રૂટિન તપાસ માટે દીપક મારાવીના ઘરે ગયેલા, પણ એમનાં કુટુંબીઓએ વાત કરવાની મંજૂરી આપી નહોતી. જો કે તપાસ કરતાં ખબર પડી હતી કે હૉસ્પિટલની ટીમ ક્યારેય દીપકના ઘરે ગઈ નહોતી.

તપાસ કરતાં એ પણ ખબર પડી હતી કે રસીનો ડોઝ લીધા બાદ દીપકનું શરીર ઊતરવા લાગ્યું હતું અને એ સતત નબળો પડતો ગયો હતો. આનો એક મતલબ એ છે કે ભોપાલની હૉસ્પિટલમાં અખતરા વખતે કોઈ ગરબડ થઈ નહોતી એવું કહીને બન્ને સ્પૉન્સર્સ હૉસ્પિટલના તમામ ડેટાનો ઉપયોગ કરશે એવું આડકતરી રીતે કહી દીધું છે. એટલે એનો બીજો અર્થ એવો છે કે રસીની સલામતી વિશે ભોપાલની હૉસ્પિટલના ડેટાનો આખરી ગણતરીમાં ઉપયોગ થશે.

ભારત બાયોટેક કંપનીએ રસીના અખતરા માટે જે નિયમો બનાવેલા એનો પણ ભોપાલની હૉસ્પિટલે ભંગ કર્યો છે. અખતરાના એક નિયમ પર રિપોર્ટમાં ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે.  ભારત બાયોટેકે અખતરા વખતે અમુક વાતોની નોંધ કરવાની ખાતરી આપેલી, જેમ કે રસી બાદ અપેક્ષિત બીમારીનાં લક્ષણો, અનપેક્ષિત બીમારીનાં લક્ષણો, ગંભીર આડઅસરો અને શ્વસનની બીમારીનાં લક્ષણોની નોંધ કરવામાં આવશે.

અખતરામાં ભાગ લેનારાઓને રસી મૂકાયા બાદ એમની પાસેથી જો આડઅસરની માહિતી ભેગી કરવામાં આવી હોત તો ભારત બાયોટેક કંપનીને જ એનો ફાયદો થાત. રસીની આડઅસરો શું છે એના નિષ્કર્ષ પર કંપની પહોંચી શકી હોત. ભોપાલની પીપલ્સ હૉસ્પિટલની જવાબદારી હતી કે રસી લેનારી વ્યક્તિને સાત દિવસ સતત ફોન કરીને એને કઈ કઈ આડઅસર થઈ છે એની નોંધ રાખવાની. આ જવાબદારી તેણે નિભાવી નથી.

એ ઉપરાંત, વિગતવાર ગ્રેડિંગ સિસ્ટમ પણ ઊભી કરવાની જરૂર હતી. એમાં રસીની આડઅસરોની નોંધ કરી શકાઈ હોત. આને લીધે એકસરખો કોર્ડ બનાવી શકાયો હોત અને કોને કઈ આડ અસર થઈ છે એની ખબર પડી હોત. મોટા ભાગના લોકોને લખતાં કે વાંચતાં આવડતું ન હોવાથી મોટા ભાગનાએ કોઈ નોંધ કરી નહોતી.

આ અખતરાનો બીજો એક ઉદ્દેશ એ હતો કે આખું વર્ષ ચાલનારા અખતરાના ગાળામાં રસી લેનારા કોઈને કોરોના થાય છે કે કેમ એ જોવાનો. આના માટે રસી લેનારા પર સતત નજર રાખવી પડે. જો કે રસી લેનારા પર હૉસ્પિટલે ખાસ કોઈ નજર રાખી નહોતી અને જોઈએ એવો ડેટા પણ ભેગો કરવામાં આવ્યો નહોતો. હૉસ્પિટલે ટ્રાયલમાં રસી લેનારા અનેક લોકોનો નક્કી કરેલા સમયે સંપર્ક સુદ્ધાં કર્યો નહોતો. એ ઉપરાંત, રસી લેનારા જે લોકો માંદા થયાં હતાં એમની સારવાર કરવાને બદલે એમને હૉસ્પિટલે હાંકી કાઢ્યાં હતાં.

પીપલ્સ હૉસ્પિટલે અનેક નબળાં લોકોને અખતરામાં સામેલ કર્યાં હતાં. મોટા ભાગનાને લખતાં કે વાંચતાં આવડતું નહોતું. એમની પાસે ફોન પણ નહોતા એટલે તેઓ અખતરાના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર કે એથિક્સ કમિટીના સંપર્કમાં રહી શકે એમ નહોતા. પીપલ્સ હૉસ્પિટલમાં ચાલતા અખતરા પર ઘણી સંસ્થાઓની નજર હતી.

આમાં એથિક્સ કમિટી, ક્લિનિકલ ટ્રાયલ મોનિટર IQVIA અને DSMB. DSMB અખતરા વખતે સલામતીના પાસાનું ધ્યાન રાખે છે અને સ્વતંત્ર રીતે ડેટા ભેગો કરે છે. જો કે પીપલ્સ હૉસ્પિટલમાં અખતરા વખતે જે બખડજંતર ચાલુ હતું એ વિશે એકેય સંસ્થાએ એક હરફ પણ ન ઉચ્ચાર્યો. એટલે કોવેક્સિન રસીની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top