Charchapatra

કારાવાસ

દેશ ભલે આઝાદ હોય પણ તેના દેશવાસીઓમાં લાખો કારાવાસમાં કેદ હોય છે. ભારતમાં જેલોની ક્ષમતા સવા ચાર લાખ કેદીઓની હોવાની સામે સાડા પાંચ લાખથી વધુ કેદીઓ કારાવાસ ભોગવે છે. અનેક કેદીઓ ગરીબ, લાચાર છે, તેમના પરિવાર અને રોજગારી પર ભારે અસર થાય છે, તેમના જીવનનાં અમૂલ્ય વર્ષો વેડફાઇ રહ્યા હોય છે. ઘણાંને સમયસર ન્યાય મળતો નથી, ટ્રાયલના વાંકે વર્ષોનો કારાવાસ ભોગવવો પડે છે, જેલમાંથી છૂટવા, જામીન મેળવવા આડે નિર્ધનતા આવે છે, કેટલાક કાચા કામના કેદીઓ હોય છે.

કેદીઓની સુધારણા માટે ‘દો આંખે બારહ હાથ’ જેવી ફિલ્મે સુંદર સંદેશ આપ્યો હતો. રાજકીય કેદીઓનો વિષય અલગ છે. ઘણીવાર ‘જેલ ભરો આંદોલન’ પણ વિરોધ દર્શાવવા થતા રહે છે. કૌભાંડો, ભ્રષ્ટાચાર, ઠગાઇ, બળાત્કાર, હત્યા, માનહાનિ જેવા અનેક કારણોસર જેલમાં કેદીઓની ભીડ જામે છે, અસામાજિક કૃત્યો, અપરાધો પણ જેલોમાં સાંઠગાંઠ કે ધાકધમકી કે વગ સાથે થતા રહે છે. આ બધી તો બંધ જેલોના કારાવાસની વાત થઇ. બેરોજગારી, ગરીબી, મોંઘવારી, રાજદ્વેષ જેવી અદ્રશ્ય દિવાલોનો કારાવાસ ભોગવતા નિર્દોષ નાગરિકો કયારે મુકિત અનુભવશે તેનો સાચો ઉકેલ શીઘ્ર મળે તેમ નથી.

એક તરફ જી.એસ.ટી. દ્વારા કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંભરાય છે અને તેની સામે કરોડો લોકો બેરોજગાર થતા જાય છે. ગરીબોનો રોટલો પણ ક્રૂર વેરાથી મુકત નથી. રાજકારણીઓને મન એવા ભારતીયોના મતાધિકારનુન જ મહત્વ રહે છે. આમાં પણ નફરતનું ગનદુ રાજકારણ અને ધર્મઝનૂન પ્રજામાં દિવાલો ખડી કરે છે અને લોકોએ તેનો કારાવાસ ફરજિયાત ભોગવવો પડે છે, વળી એવા કારાવાસમાં રાષ્ટ્રપ્રેમના ગાન ગાવા પડે છે. લોકશાહી માટે આવી પરિસ્થિતિ શરમજનક ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એક દાયકામાં ભારતીય બેન્કો સાથે થયેલી છેતરપિંડી
આર.ટી.આઇ. હેઠળ આરબીઆઇના ચોંકાવનારા ડેટા જાહેર થયા છે. જે અનુસાર 2013-14 અને 2022-23 વચ્ચે દેશની ખાનગી અને જાહેર બંને પ્રકારની બેન્કો સાથે 462733 છેતરપિંડીની ઘટનાઓ નોંધાઇ છે. પાછલા 10 નાણાકીય વર્ષમાં ફ્રોડના સૌથી વધારે કિસ્સા મહારાષ્ટ્રમાં નોંધાયા છે તે પછી દિલ્હી, હરિયાણા, તમિલનાડુઅ ને ઉત્તરપ્રદેશનો ક્રમ આવે છે. જેમાથી ગુજરાત રાજય પણ અલિપ્ત નથી. દેશના વિવિધ રાજયોમા થયેલા બેન્ક છેતરપિંડીના ઉપરોકત આંકડા અને દેશની જનતા અને સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય છે જે અંગે આરબીઆઇએ ગાઇડલાઇનમાં બેન્ક ગ્રાહક હિતલક્ષી હકારાત્મક સુધારા કરવા જરૂરી બન્યા છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top