સુરત: સુરતની કાપડ માર્કેટમાં (Surat Textile Market) ચીટર વેપારીઓ (Cheating) દ્વારા વીવર્સ (Weavers) સાથે છેતરપિંડી કરવાના અનેક બનાવો છેલ્લાં કેટલાંક સમયમાં સામે આવ્યા છે. સુરત શહેરના વીવર્સના અંદાજે 100 કરોડથી વધુના પેમેન્ટ ચીટર વેપારીઓના લીધે ફસાઈ ગયા છે. વીવર્સને ન્યાય અપાવવા માટે છેલ્લાં કેટલાંક મહિનાઓથી વીવર્સનું સંગઠન ફોગવા સક્રિય થયું છે. પાછલા દિવસોમાં પોલીસ કમિશનર અજય તોમર સહિત પોલીસકર્મીઓને રજૂઆતો કર્યા બાદ હવે ફોગવાએ (Fogwa) ફસાયેલી રકમની ઉઘરાણી માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે.
બુધવારે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન) દ્વારા ઉમરવાડાની ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં નવું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. વીવર્સને ન્યાય અપાવવા માટે આ ઓફિસ શરૂ કરવામાં આવી છે. બુધવારે તેનું ઉદ્દઘાટન કરાયું હતું. ફોગવા દ્વારા ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી, એસજીટીપીએના પ્રમુખ જિતેન્દ્ર વખારિયા અને સંજય સરાવગીની હાજરીમાં નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં પ્રથમ દિવસે નવા 800 વિવર સભ્ય તરીકે નોંધાયા હતા.
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ટેક્સટાઈલ માર્કેટોમાં ઉઠમણાંની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એસોસિએશન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અને ઇન્ફર્મેટિવ હેતુવાળું કાર્યાલય સારું કરવું જરૂરી હતું. ઓફિસ મધ્યસ્થ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ ઉઠમણાં અટકાવવાનો છે, ફોગવા એક્શન પ્લાન બનાવીને ઉઠમણાં અટકાવવા માટે પ્રયાસ કરશે.
કોરોનાકાળમાં માર્કેટોમાં ઉઠમણાંનું પ્રમાણ વધ્યું હતું. ચોક્કસ ચીટર ટોળકીઓ દ્વારા ઠગાઈ કરવા માટે થોડા સમય માટે ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી ઉઠમણાં કરવામાં આવ્યાં હતાં. તેના પગલે ફોગવાએ હવે વેપારીનો રેફરન્સ આપનાર વેપારીની જવાબદારી નક્કી કરી જો કોઈ પાર્ટી ઉઠમણું કરશે તો એવા ચીટર વેપારીની જવાબદારી રેફરન્સ આપનારની ગણી તેની પાસે ફસાયેલી મૂડીની વસૂલાત કરાશે. અત્યારે માર્કેટમાં 35થી વધારે ચીટર ટોળકીઓ સક્રિય છે. જેની માહિતી પોલીસને આપવામાં આવી છે. જેમને નિર્દોષ વિવર્સના લાખો રૂપિયા દબાવી અનેક સાથે ઠગાઈ કરી છે. ચીટિંગ ટોળકીનો ભોગ બનેલા વિવર્સોનું 100 કરોડથી વધુ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે.