બોરસદ : રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા પ્રતિબંધિત કરાયેલ કાેનોકાર્પસ વૃક્ષને કારણે સરકારી કચેરીઓમાંથી સ્વૈચ્છિક રીતે કાપી નાખવાની શરૂઆત આણંદ જિલ્લાના બોરસદ સેવા સદન ખાતેથી કરવામાં આવી છે. બોરસદ ખાતે અરજદારો સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ સહિત સૌ કોઇ માટે આરોગ્ય સંબંધિત નુકશાન થવાની ભિતી ગુજરાત મિત્ર દ્વારા ફોટો અહેવાલ પ્રસિદ્ધ કરી વ્યક્ત કરવામાં આવી હતી.
અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા ગણતરીના કલાકોમાં જ સેવા સદનમાં તોતિંગ વૃક્ષ બનેલ કાેનોકાર્પસને કાપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. કાેનોકાર્પસ વૃક્ષને તાત્કાલિક ધોરણે કાપવાની કામગીરી કરવામાં આવી હતી. કાેનોકાર્પસ વૃક્ષને કાપવાની શરૂઆત સમગ્ર આણંદ જિલ્લામાં સૌ પ્રથમ બોરસદ ખાતે કરવામાં આવી છે. બોરસદના સેવા સદનમાં લેવાયેલ નિર્ણયની પ્રેરણા મેળવી સમગ્ર જીલ્લામાં અન્ય તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત કચેરીઓ, જાહેર સ્થળો ઉપરાંત રસ્તાઓની આસપાસથી અને રહેણાંક વિસ્તારોમાં હટાવવા માટે કામગીરી શરૂ કરવી જોઈએ તેવો સુર જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.