એક વિધવા માતા સુમતિ બહેનનો એકનો એક દીકરો રોમિલ …પતિના અચાનક મૃત્યુ બાદ થોડું ભણેલા સુમતિ બહેન નોકરી કરતા કરતા આગળ ભણ્યા ..સખ્ત મહેનત કરી દીકરા રોમીલને ભણાવ્યો એન્જીનીયર બનાવ્યો ….એન્જીનીયર બન્યા બાદ રોમિલે નવું ઘર અને ગાડી લીધા ..માતાની નોકરી છોડાવી તેને આરામ કરવા કહ્યું..નોકર અને રસોઈઓ રાખ્યા.સુમતિબહેનની બધી મહેનત રંગ લાવી..તેઓ સુખના આસમાનમાં વિહરવા લાગ્યા.
માતા અને પુત્રના પ્રેમભર્યા જીવનમાં એક ત્રીજા પાત્રનો પ્રવેશ થયો.રોમીલે પોતાની પ્રેયસી સાથે ભણતી અને કામ કરતી યુવતી રિધા સાથે લગ્ન કર્યા. સુમતિ બહેનને મનમાં પોતે વહુ પસંદ ન કરી શક્યા એવો વિચાર એકવાર આવ્યો પણ તેમણે તે વિચાર તરત મનમાંથી કાઢી નાખ્યો.લગ્ન થયા….રોમિલ અને રિધા રોજ સાથે કામ પર જતા …સાંજે સાથે આવતાં …રાત્રે જમતા જમતા પોતાના કામની વાતો અંગ્રેજીમાં કરતા…ઘણીવાર રાત્રે ફરવા જતાં ..પાર્ટીમાં જતા તો મોડા આવતાં.આમ તો કોઈ તકલીફ ન હતી…ભરપુર સુખ હતું ..સુમતિ બહેનની બધી જરૂરિયાતોનું ધ્યાન બંને રાખતા ….નોકરોને સુચના આપતા….છતાં પણ સુમતિબહેન દુઃખી રહેવા લાગ્યા …રિધાના વાંક કાઢી તેની જોડે ઝઘડો કરતા ..ન બોલવાનું બોલતા ..તેમને મનમાં એમ થયું હતું કે રિધા મારા દીકરાને મારાથી દુર કરી રહી છે…..ઝઘડો વધવા લાગ્યો ..હવે રિધા પણ ગુસ્સે થઇ જતી …કઇંક બોલી દેતી ..વાત વધી જતી ….સુમતિબહેન ખાવ પીવાનું છોડી દેતા.રિધા વાત કરવાનું બંધ કરી દેતી.આ બંનેના ઝઘડામાં રોમિલનું જીવન કપરું બની ગયું હતું.
એક દિવસ આવો જ ઝઘડો થયો …રોમીલે કમ્પ્યુટર પર એક વિડીયો શરુ કર્યો જેમાં એક ખીણ પાસેના પત્થર પર એક પાટિયું માંડ ટકેલું હતું અને તેની ઉપર એક યુવાન ઉભો હતો પાટિયાની બને બાજુ એક તરફ વૃદ્ધ સ્ત્રી અને બીજી તરફ યુવાન સ્ત્રી હતી…યુવાને બંનેને બચાવવાના હતા..પણ પરિસ્થિતિ એવી હતી કે જો યુવાન વૃદ્ધ મા તરફ જાય તો પણ પાટિયાનું બેલેન્સ હાલે અને ત્રણે જણ ખીણમાં પડે …અને તેવી જ રીતે જો યુવાન પત્ની તરફ જાય તો પણ ત્રણે જણ ખીણમાં પડે.
યુવાને ઇશારાથી બંને સમજાવ્યું કે તમે બંને ધીમે ધીમે મારી તરફ આવો તો આપણે બચી જશું…બંને જણ સમજ્યા ધીમે ધીમે ચાલીને યુવાન પાસે પહોંચી ગયા…આ નાનકડો વિડીયો બતાવી રોમિલ બહાર ગેલેરીમાં જતો રહ્યો..સુમતિ બહેન અને રિધા સમજી ગયા કે આ બેલેન્સ તેમણે જાળવવાનું છે અને થોડીવારમાં રિધાએ સુમતિબહેનની ફેવરીટ ચા અને સુમતીબહેને રીધાની ફેવરીટ કોફી બધા માટે બનાવવાનું કહ્યું અને રોમિલ પાસે ગયા.આજે ત્રણે જણે હસતાં હસતાં વાતો કરતા ચા અને કોફી બંનેનો સાથે આનંદ માણ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.