નવી દિલ્હી: લોકસભાના સ્પીકર ઓમ બિરલા બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં ઈમરજન્સી અંગે ટીપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ ઈમરજન્સીને દેશના બંધારણ પર સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. રાષ્ટ્રપતિની ટીપ્પણીથી વિપક્ષ ગુસ્સે ભરાયું હતું.
મોદી 3.0 સરકારના કાર્યકાળ શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આજે પહેલીવાર ભાષણ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે કટોકટી એ ભારતના બંધારણ પરનો સૌથી મોટો હુમલો હતો. ઈમરજન્સીના લીધે 1975માં સમગ્ર દેશમાં હોબાળો થયો હતો અને બે વર્ષ સુધી ઈમરજન્સી લાગુ રહી હતી. આ દરમિયાન લોકોના તમામ અધિકારીઓ છીનવાઈ ગયા હતા. આપણે સૌ સંવિધાનની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા વિપક્ષી સભ્યો ગુસ્સે થઈ ગયા હતા અને ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ પહેલા જ્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બુધવારે પોતાના પહેલા સંબોધનમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે વિપક્ષોએ હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ કહ્યું હતું કે મોદી સરકારના છેલ્લા 10 વર્ષનું શાસન અઘોષિત કટોકટી ગણાવી હતી.
પેપર લીકના મામલે પણ રાષ્ટ્રપતિએ ટિપ્પણી કરી
રાષ્ટ્રપતિના સંબોધનમાં પણ પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે.
મોદી સરકારના વખાણ કરતાં કહ્યું…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, છ દાયકા પછી દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકારની રચના થઈ છે. લોકોએ આ સરકારમાં ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો જાણે છે કે આ સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છે. 18મી લોકસભા ઘણી રીતે ઐતિહાસિક લોકસભા છે.
આ લોકસભાની રચના અમૃતકલના શરૂઆતના વર્ષોમાં થઈ હતી. આ લોકસભા દેશના બંધારણને અપનાવવાના 56માં વર્ષનું પણ સાક્ષી બનશે. આ સરકાર આગામી સત્રોમાં તેના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભાવિ વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે. આ બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયોની સાથે અનેક ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે.