વાંસદા: વાંસદા (Vansda) તાલુકાના રૂપવેલ ગામના ૨૯ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. પોલીસ (Police) સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના રૂપવેલ ગામે પાણીસાળ ફળિયા ખાતે રહેતા વિમલકુમાર રાજુભાઈ પટેલના લગ્ન વાંસદા તાલુકાના પાલગભાણ ગામે રહેતા કલાવતી બેન સાથે થયા હતા. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૨ માં કલાવતીબેન અને વિમલકુમારના છૂટાછેડા થઈ ગયા હોય, તેનું મનદુ:ખ રાખી વિમલ કુમારે ‘ મેં મારી મરજીથી મરતો છું’ લખી પોતાના ઘરે વાંસના લાકડાના દાંડા સાથે પ્લાસ્ટિકની પટ્ટીથી ગળે ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લેતાં મરનાર પિતા રાજુભાઇએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
પ્રેમી સાથે બોલાચાલી થતા વિજલપોરની યુવતીનો આપઘાત
નવસારી : વિજલપોરની યુવતીનો તેના પ્રેમી સાથે બોલાચાલી થતા યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર બેંક ઓફ બરોડાની બાજુમાં શિવ કોમ્પ્લેક્ષમાં ભાવીશાબેન વિનોદભાઈ પટેલ (ઉ.વ. 26) તેમના પરિવાર સાથે રહેતી હતી. ભાવીશાનો નવસારી સ્ટેશન રોડ પર રાધે પાર્ક સોસાયટીમાં રહેતો આકાશ કૈલાશ જાદવ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી તેઓ બંને એકબીજા સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા.
ગત 27મીએ ભાવીશા તેના પ્રેમી આકાશ સાથે વાતચીત કરી રહી હતી. દરમિયાન તે બંને વચ્ચે બોલાચાલી થતા ભાવીશાને મનદુઃખ થયું હતું. જેના પગલે ભાવીશાએ તેના ઘરે રસોડાના ભાગે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પરિવારજનોને જાણ થતા તેઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બનાવ અંગે મૃતકની માતા હેમુબેને વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. રાજેન્દ્રસિંહને સોંપી છે.
દાંતી ગામે દરિયામાં માછલી પકડવા ગયેલા યુવાનનું ડૂબી જતા મોત
નવસારી : જલાલપોરના દાંતી ગામે દરિયામાં માછલી પકડવા ગયેલા યુવાનનું દરિયાના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના દાંતી ગામે જલારામ ફળીયામાં રવિકુમાર પરભુભાઈ પટેલ (ઉ.વ.આ. 33) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 26મીએ સવારે રવિ ગામમાં આવેલા દરિયાના પાણીમાં માછલી પકડવા માટે ગયો હતો. જ્યાં તેને માછલી પકડવા માટે પાણીમાં જાળ નાંખી હતી.
દરમિયાન દરિયામાં ભરતીનું પાણી ઝડપથી વધી જતા રવિ ડૂબવા લાગ્યો હતો. જેથી રવિએ બચાવ-બચાવની બુમો પાડી હતી. જોકે રવિની બુમો સાંભળી નજીકના માણસોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દરિયામાં પાણી વધી જતા રવિ ડૂબી ગયો હતો. અને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરોલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી રવિની લાશને શોધી તેનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસે ગણેશભાઈ પટેલની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નિવૃત્તીભાઈને સોંપી છે.