વલસાડ: વલસાડના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બાંધકામના અઢી ફૂટ મોટા હથોડા વડે હત્યા કરી ભાગેલા હત્યારા દંપતીને પોલીસે ગણતરીના કલાકોમાં જ જલગાંવથી પકડી પાડ્યું હતું. આ હત્યારા દંપતીને જ્યારે વલસાડ લવાયું ત્યારે તેમને જોઇને પોલીસ પણ દંગ રહી ગઇ હતી. હત્યા કરનાર પુરુષની ઉંચાઇ માત્ર 4 ફૂટ જેટલી હતી અને તેણે અઢી ફૂટ લાંબો હથોડો ઊંચકી તેના જ સાથીના માથામાં મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
વલસાડમાં થયેલી હત્યા અંગે માહિતી આપતા ડીએસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, પોલીસને 7 વાગ્યે જલારામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં એક લાશ મળી હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્યાં પહોંચી 7.30 કલાક સુધીમાં વિગતો જાણી લીધી હતી. જેમાં મરનારની ઓળખ પપ્પુ વિષ્ણુદેવ પાસવાન (રહે. બિહાર) તરીકે થઇ હતી. તેની સાથે એક દંપતી રહેતું હતુ અને આ દંપતી ગાયબ હતું. ત્યારે સિટી પીઆઇ દિનેશ પરમારની ટીમે દંપતી જ હત્યારું હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે સીસીટીવી તેમજ અન્ય બાતમીના પગલે આ દંપતીને સુરત પોલીસ અને આરપીએફની મદદથી જલગાંવ રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યું હતું. તેમણે આરપીએફ સમક્ષ જ ગુનાની કબૂલાત કરી દીધી હતી. ત્યારબાદ બંનેને વલસાડ લવાયા હતા. જ્યાં તેમની વધુ પુછપરછ કરતા પકડાયેલા વિકાસ બંસી માંઝીએ જણાવ્યું કે, મધ્યરાત્રીએ તેણે તેની પત્ની ચંપા દેવી માંઝીને પપ્પુ સાથે કઢંગી હાલતમાં જોઇ હતી. આ દૃશ્ય જોઇ પહેલાં તે કંઇ નહીં બોલ્યો, પરંતુ જ્યારે પપ્પુ સુઇ ગયો ત્યારે તેણે અઢી ફૂટ લાંબો હથોડો લઇ પપ્પુના માથે ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યામાં તેની પત્ની ચંપાદેવીએ પણ મદદ કરી હતી. આ હત્યાને અંજામ આપ્યા બાદ બંને ભાગી છૂટ્યા હતા. જો કે, વલસાડમાં ગુનો કરી ભાગનાર આ દંપતીને પોલીસે ગણતરીના કલાકોમાં જ જલગાંવથી પકડી પાડ્યા હતા. ત્યારબાદ વલસાડ પોલીસ તેમને જલગાંવથી વલસાડ લઇ આવી હતી અને તેમની કાયદેસર ધરપકડ કરી તેમની વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સાઈકલ રેસમાં પપ્પુનો ચંપા સાથે પ્રેમ પાંગર્યો હતો
પપ્પુ અને વિકાસ બિહારના એક જ ગામમાં રહેતા હતા. જ્યાં સાઇકલ રેસમાં પપ્પુનો વિકાસની પત્ની ચંપા સાથે પ્રેમ પાંગર્યો હતો. તેની અવારનવાર ચંપા સાથે વાત થતી હતી. તેઓ વધુ સમય નિકટ આવે એ માટે પપ્પુએ વિકાસને વલસાડમાં કામ મળશે એવી વાત કરી તેમને વલસાડ બોલાવી લીધા હતા અને તેઓ સાથે રહેતા હતા. જે દરમિયાન તે ચંપા સાથે મજા પણ કરતો હતો. જો કે, વિકાસ તેની કામલીલા જોઇ જતાં તેણે એ જ રાત્રે તેને ઠંડા કલેજે પતાવી દીધો હતો.