વલસાડ : વલસાડના (Valsad) નંદાવલા ગામે દુકાનમાં (Shop) સોડા લેવા ગયેલો ગ્રાહકને (Customer) દુકાનદારે ‘તને સોડા નહીં આપું થાય તે કરી લે’ કહીને અન્ય સાગરીતો સાથે મળીને ગ્રાહકને ઢોર માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ નોંધાઇ છે.
વલસાડ તાલુકાના ભદેલી દેસાઈ પાર્ટી નવીનગરીમાં રહેતા પ્રકાશ કિશનભાઇ વાનખડે ડ્રાઇવિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. એમનો પુત્ર નિકાસ પોતાની મોટરસાયકલ લઈને વલસાડ તાલુકાના નંદાવલા ગામે પહાડ ફળિયામાં રહેતા શિરિષ સિંહને ત્યાં ગયો હતો અને ત્યાથી બંને મિત્રો સાથે પડોશમાં રહેતા વિશાલ મુકેશભાઈ પટેલની દુકાનમાં સોડા લેવા ગયા હતા. ત્યારે દુકાનદાર વિશાલે નિકાસના જણાવ્યુ કે ‘સોડા નહીં આપું તારાથી થાય તે કરી લે’ એમ જણાવીને ગાળો આપવા લાગ્યો હતો. ત્યારબાદ વિશાલે અન્ય સાગરીતો નંદાવલા સ્કૂલ ફળિયામાં રહેતા ઉવેશ ઉર્ફે સોમલો અનિલભાઈ પટેલ, રાજા પ્રમોદભાઇ પટેલ, સાગર ગમનભાઈ પટેલ, જૈમીન કાળીદાસ પટેલ ફોન કરીને બોલાવીને નિકાસને પીઠના ભાગે તથા લાકડા વડે માથાના ભાગે ઢોર માર માર્યો હતો. બીજી વખત વિશાલ દુકાને આવશે તો તને જાનથી મારી નાખીશ કહીને ત્યાંથી તમામ સાગરીતો ભાગી છૂટ્યા હતા. નિકાસને વધુ ઇજા થયેલી હોય સારવાર અર્થે નિકાસને મોટરસાઇકલ ઉપર એમના મિત્રો વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.
જંબુસર પાલિકાના સભ્ય પર તેના જ સમાજના બે યુવાનનો જીવલેણ હુમલો
જંબુસર: જંબુસર નગરપાલિકા વોર્ડ નં-૨ના સદસ્ય ઉપર તેમના જ સમાજના બે યુવાનોએ જીવલેણ હુમલો કરતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવનારા હોવાનું જાણવા મળી રહ્યું છે.
- લોકોપયોગી કામ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા પાલિકાના સભ્યને માર મરાયો
જંબુસર નગરપાલિકાના વોર્ડ નં-૨ના સદસ્ય વિશાલ જયંતીલાલ પટેલે ઉત્કર્ષ પહેલ યોજના હેઠળ લાભાર્થી દુર્ગાબેન પટેલને લાભ અપાવ્યો હતો. લાભાર્થીને લાભ અપાવ્યા બાદ સદસ્ય વિશાલ પટેલે તેના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ પોસ્ટ પર શેર કરી હતી. જે પોસ્ટ જોઇ દુર્ગાબેનના પૌત્ર વિપુલ પટેલને ન ગમતાં બીભત્સ કોમેન્ટ કરી નગરપાલિકાના સદસ્ય વિશાલ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગુરુવારે સવારે સભ્ય વિશાલ પટેલ જંબુસર પાલિકા ખાતે હોવાથી વિપુલ પટેલ અને તેનો ભાઈ પ્રણય ઉર્ફે પલ્લુ પટેલ લાકડી અને ડમ્બેલ્સ લઇ આવ્યા હતા. જેમાં વિશાલ પટેલના માથા અને પીઠ પર જીવલેણ હુમલો કર્યો હતો. વચ્ચે લોકોએ છોડાવ્યા બાદ ઈજાગ્રસ્ત વિશાલને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. વિશાલના ભાઈ નૈષધ પટેલને ઘટનાની જાણ થતાં તેણે જંબુસર રેફરલ હોસ્પિટલ પહોંચ્યા બાદ આ બાબતે જંબુસર પોલીસને જાણ કરી હતી. પાલિકાના સદસ્યનો આખો કિસ્સો વાયુવેગે પ્રસરતાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.