વલસાડ/પારડી : વલસાડ (Valsad) જિલ્લામાં વહીવટી તંત્રએ ઘણા સમય બાદ મોટો સપાટો બોલાવી રેતી, કપચી અને માટી જેવા ખનીજનું વહન કરી ગેરકાયદે રીતે હેરાફેરી કરતાં ખનિજ ચોરો સામે લાલ આંખ કરી હતી. પૂરી તૈયારી સાથે આજે ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ તંત્રની ટીમોએ ખનીજનું વહન કરતાં 70 થી વધુ વાહનોને જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે અનેક જગ્યાએ તંત્રએ હાથ ધરેલી કાર્યવાહીને કારણે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
- પ્રાંત, મામલતદાર, આરટીઓ, ખાણ ખનીજ અને ભૂસ્તર વિભાગે સાથે રહી સપાટો બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ
- બગવાડા ટોલનાકા અને નાનાપોંઢામાં તંત્રની ટીમે માટી, કપચી, રેતીનું વહન કરતાં ભારે વાહનોને દંડ ફટકાર્યો
બનાવની વિગત મુજબ આજે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના વલસાડ અને ધરમપુરના અધિકારીની આગેવાની હેઠળ 6 મામલતદાર, જિલ્લા આરટીઓ, ખાણ ખનીજ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમે એક સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે કપરાડા તાલુકાના નાનાપોંઢામાં અને પારડીના બગવાડા ટોલનાકા પર તંત્રની ટીમે માટી, કપચી અને રેતીનું વહન કરતાં ભારે વાહનોને રોકી તેમાં તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત ખનીજનું વહન કરતાં 70 થી વધુ ઓવરલોડ વાહનોને રોકી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તંત્રની એક નહી પરંતુ અનેક સ્થળે એક સાથે કાર્યવાહી
આ કાર્યવાહીમાં ઓવરલોડ વાહનોની સાથે જે વાહનોના પાસ પરમીટ પણ ન હતા, સાથે જ જરૂરી દસ્તાવેજો પણ ન હતા, એવા તમામ વાહનચાલકો વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમની સંયુક્ત કાર્યવાહીને કારણે જિલ્લાના ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્રની ટીમોએ એક નહી પરંતુ અનેક જગ્યાએ એક સાથે કાર્યવાહી કરતા 70થી વધુ વાહનચાલકો દંડાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભંડાર કચ્છ ખાતે સ્ટોન કવોરી સીઝ, જેસીબી, 5 ટ્રક, હિટાચી, કોમ્પ્રેસર મશીન અને ટ્રેકટર કબજે કરાયા
ટીમ દ્વારા કપરાડા તાલુકાના ભંડાર કચ્છ ગશ ઠાકોર નામના ઇસમ દ્વારા સંચાલિત સ્ટોન ક્વોરીની ચકાસણી દરમિયાન ખુબ જ મોટો કુત્રિમ ખાડો (ખાણ) જોવા મળતા ભૂસ્તર શાસ્ત્રી અને ડીઆઇએલઆરને સાથે રાખી તપાસ કરતા રબલ કપચી, ગ્રીટના જથ્થાનું આકલનની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે 5 ટ્રક, 1 જેસીબી, 2 હિટાચી મશીન, એક કોમ્પ્રેસર મશીન મળી આવ્યું હતું. જેના પગલે ક્રસર પ્લાન્ટ, સાધન સામગ્રી તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. એટલું જ નહી તપાસ દરમિયાન કેટલાક મહેસૂલી કાયદાઓનો ભંગ જણાઈ આવતા મહેસૂલ કચેરી દ્વારા રેકોર્ડ આધારિત ચકાસણી કરી કાર્યવાહી હાથ ધરાશે.