Madhya Gujarat

વડતાલધામમાં ભગવાનને છ ટન દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

આણંદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં યુવાનોમાં અતિશય લોકપ્રિય થઈ રહેલી રવિસભાનો “ અમૃત મહોત્સવ” ઉજવાયો હતો. આ પ્રસંગે છ ટન દ્રાક્ષનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. જોકે, આ દ્રાક્ષ વેંચાતી લેવામાં આવી નથી. પરંતુ નાસિક રહિને શિક્ષણ- આરોગ્ય અને સત્સંગ સમાજ સેવામાં ભેખધારી વયોવૃદ્ધ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીમાંથી મોકલેલી છે. જાતે ફળ ફૂલ ઉછેરવા અને દેવ સેવામાં વાપરવાની પવિત્ર ભાવનાથી મંદિરોમાં દ્રાક્ષ ઉત્સવ કરાવતા રહે છે જે, આ તેમના તરફથી વડતાલધામમાં ત્રીજો દ્રાક્ષ ઉત્સવ છે.

આરાધ્ય ઈસ્ટદેવ શ્રીહરિકૃષ્ણ મહારાજ અને મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવના સમક્ષ નાસિકથી મંગાવેલી છ ટન દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. છેલ્લા સાત આઠ વર્ષથી ચાલતી અમૃત રવિસભા પ્રસંગે હજારોની સંખ્યામાં યુવકો અને સત્સંગના અગ્રણીઓ જોડાયા હતા. રવિસભામાં ભગવાન સ્વામિનારાયણની પરાવાણી “ વચનામૃત”ની કથા વક્તા વિદ્વાન મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી કરી રહ્યા છે. સત્સંગ અને સમાજ જીવનની ઉપયોગી વાતોના કારણે સભા વધુને વધુ સત્સંગીઓમાં લોકપ્રિય થઈ છે. અમૃત રવિસભાના યજમાનપદે આક્ષરવાસી નારાયણભાઈ કચ્છી પરિવાર – નડિયાદ રહ્યાં હતાં. આ સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઘરસભાના પ્રસિદ્ધ વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ વડતાલની સેવા પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપલોનું વિતરણ કરાશે. આ અમૃતસભામાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્ર સરકારના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો રવિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને શ્યામ સ્વામી અને સ્વયં સેવકોએ આખરી ઓપ આપ્યો હતો. આ સભાના સેન્ટરમાં ચંપલના સેવા રહી. આ સેવાની યજમાન વડોદરાના ગિરીશચંદ્ર ચુનીલાલ જોશી હસ્તે સત્યમભાઈ જોશી પરિવાર છે. આજના પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામીજી, બાપુ સ્વામીજી, ગોવિંદ સ્વામી – મેતપુરવાળા , શુકદેવ સ્વામી – નાર, હરિઓમ સ્વામી – સંસ્કૃત પાઠશાળા, પી. પી. સ્વામી – રામપુરા સુરત , ધર્મનંદન સ્વામી – ખંભાત પ્રિયદર્શન સ્વામી – વડોદરા વગેરે સંતો મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top