વડોદરા: વડોદરા શહેર માટે ઐતિહાસિક બની ગયેલી 36 નેશનલ ગેમ્સનું આજે યાદગાર સમાપન થયું છે.સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લગાતાર પાંચ દિવસ સુધી ચાલેલી ગેમ્સમાં વિજેતા ખેલાડીઓ મેડલ્સ અને અસફળ રહેલા ખેલાડીઓ વધુ મહેનત કરવાના સંકલ્પ સાથે વડોદરાનું કાયમી સંભારણું સાથે લઇ ગયા છે.જીમ્નાસ્ટિકમાં 175 જેટલા ખેલાડીઓ ઉપરાંત રેફરી સહિત 300 જેટલા પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ પાંચ દિવસના ખેલમાં રિધમિક, આર્ટિસ્ટિક અને ટ્રેમ્પોલીનમાં 12 રાજ્યો અને સર્વિસિસ મેડલ મેળવવામાં સફળ રહ્યા છે.જીમ્નાસ્ટિકમાં સૌથી વધુ મેડલ મેળવવામાં પશ્ચિમ બેંગોલના ખેલાડીઓ સફળ રહ્યા છે.તેને પાંચ-પાંચ ગોલ્ડ અને સિલ્વર તથા બે બ્રોંઝ સાથે કુલ 12 પદકો મળ્યા છે.
તે બાદ સર્વિસિસના ખેલાડીઓએ કુલ 10 પદકો અંકે કર્યા છે. જેમાં ચાર ગોલ્ડ, ત્રણ-ત્રણ સિલ્વર અને બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જ્યારે, મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર કુલ 8 પદકો સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.મહારાષ્ટ્રના ખેલાડીઓને ત્રણ ગોલ્ડ,એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ મળ્યા છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી ખેલાડીઓ અભિભૂત થઇ ગયા હતા. ખેલાડીઓ માટે રહેવા અને જમવાની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ખેલાડીઓ ગુજરાતની સાંસ્કૃતિક વારસાથી વાકેફ થવા માટે ગરબાના સ્થળોની મુલાકાત પણ લીધી હતી.